થઈ ગયા હતા. આ સ્થિતિ ચકોર કીલાના ધ્યાન બહાર થોડી રહી શકે? તુરત એણે વાતાવરણમાંનો ગ્લાનિભાર દૂર કરવાના ઇરાદાથી વાતચીતમાં વિષયાંતર કર્યું:
‘વેપારપાણી કેવાંક ચાલે છે, મંચેરશા?’
‘ઘન્ના જ સરસ. આ મોસમમાં તો ઓતમચંદભાઈએ રંગ રાખી દીધો છે. અમરગઢ સ્ટેશન ઉપરથી ત્રીસ વૅગન માલ તો ચડી પણ ગયો છે. પેલી વેલાતી પેઢીવાલા તો વિચારમાં પડી ગયા છે!’ મંચેરશાએ કહ્યું. અને પોતાની હરીફ વિલાયતી પેઢી યાદ આવતાં તુરત એમને મનસુખભાઈ પણ યાદ આવી ગયા. ‘અરે, હું તને કહેતાં જ ભૂલી ગયો, કીલા, પેલા લાંબા ડગલાવાળા મનસુખલાલ ખરા ને, તે રોજ બબ્બે વાર તારી તપાસ કરવા અહીંઆં આવ્યા કરે છે!’
‘આજ સવારના પહોરમાં જ એ મને મળી ગયા—ને સાકરનો પડો આપી ગયા—’
‘બિચારા એક અઠવાડિયાથી તારી પાછળ પગરખાં ઘસતા હતા. રોજ સવારે ને સાંજે અહીં આવી આવીને તારા પરભુલાલ શેઠને પૂછી જોતા કે કીલાભાઈ ક્યાં ગિયા છે? એ તારા ભલાભોરા ખોદાયજી જેવા વાનિયાને તેં સાનસામાં લીધો છે કે શું?’
‘સાણસામાં તો આજે એણે મને લીધો.’
‘કીલા જેવા કીલાનેય વરી સાનસામાં લઈ શકે એવો માઈનો પૂત કોઈ પાકિયો છે ખરો કે?’
‘આ મનસુખભાઈએ મને જરાક સાણસામાં લીધો ખરો.’ કીલાએ કહ્યું, ‘આજ સવારમાં આવીને મને પૂછી ગયા, કે મંચેરશાની પેઢીવાળા ૫૨ભુલાલ શેઠ માણસ કેવા?’
‘હા, પછી?’
‘મેં કહ્યું કે સોના જેવા—’
‘હા, પછી?’