લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૦

બહેનનો ભાઈ
 


બપોરનું ટાણું હતું. ધોમધખતા તડકાને લીધે મેંગણીની શેરીગલીઓમાં મધરાત જેવો સોપો પડી ગયો હોય એમ લાગતું હતું. વેપારી-વાણોતર, મૂલી-મજૂર સહુ બે ઘડી વિશ્રાંતિ લઈ રહ્યાં હતાં

પાદરમાં આવેલો એભલ આહીરના વાડાનો મારગ ઉજ્જડ લાગતો હતો. એભલ પોતે ઢોરનું ખાડું લઈને ગયો હોવાથી વાડો પણ ખાલી ખાલી લાગતો હતો. ઘરમાં ચૂલા પાસે બેઠાં બેઠાં હીરબાઈ આહીરાણી રોટલા ઘડી રહ્યા હતાં ત્યાં જ ખડકી ઉપર સાંકળ ખખડી.

‘કોણ?’ રોટલા ઘટવાના ટપાકા વચ્ચે હીરબાઈનો મીઠો મદ્ય આવાજ રણકી ઊઠ્યો.

‘ખડકી ઉઘાડો તો ઓળખાણ પડે ને!’ સામેથી એટલો જ મીઠો સ્નેહભર્યો ઉત્તર આવ્યો.

હીરબાઈને આ અવાજ તો આછો આછો પરિચિત લાગ્યો પણ બરોબર ઓળખી શકાયો નહીં. તેથી રોટલા ઘડતાં ઘડતાં જ લોટવાળે હાથે ઊભાં થયાં ને બારણું ઉઘાડવા ખડકી તરફ ગયાં.

‘કોણ હશે, આવે ટાણે? મહીમહેમાન હોય તો તો વેળાસર આવી ગયા હોય… હટાણું કરનાર પણ આવે તડકે તો ક્યાંથી આવે?’ આમ વિચારતાં વિચારતાં ખડકીનો આગળો ઉઘાડ્યો.

તોતિંગ કમાડ ચણિયારાના લૂવામાંથી ચી…ચી અવાજ કરતું ઉઘડ્યું ત્યાં તો સામે એક ઘોડેસવાર દેખાયો. જાતવંત ઘોડી તંગ લગામે એક પગ ખોડો કરીને ઊભી હતી ને માથે આરૂઢ થયેલો

૩૦૪
વેળા વેળાની છાંયડી