અસવાર આંખમાંથી અમી વરસાવી રહ્યો હતો.
‘અરે, મારા શેઠ? ઓતમચંદ શેઠ! હીરબાઈના હૈયામાંથી હેતભર્યો ઉદ્ગાર નીકળી ગયો.
અસવાર ઘોડા પરથી છટાપૂર્વક નીચે કૂદી પડ્યો ને બોલ્યો: ‘શેઠ નહીં, શેઠ નહીં, ભાઈ કહો, બહેન!’
‘મારા વીરા! મારા વીરા!’ કરતાં હીરબાઈએ લોટભર્યા એંઠે હાથે પણ આગંતુકનાં દુખણાં લીધાં. ‘તમારો સાદ ન ઓળખાણો એટલે પૂછવું પડ્યું કે કોણ છે. આવો, આવો, માલીપા આવો!’
હીરબાઈએ ઘોડીનું ચોકઠું ઝાલી લીધું ને ઓતમચંદની પાછળ પાછળ પોતે ડેલીમાં પ્રવેશ કર્યો.
ઓસરીની થાંભલી સાથે ઘોડી બાંધીને ગમાણમાંથી ૨જકો લાવીને નીર્યો. ઓતમચંદ માટે ખાટલી ઢાળીને માથે ધડકી નાખી.
પાણિયારેથી કળશો ભરતાં ભરતાં હીરબાઈએ પૂછ્યું: ‘આ આયરના ગોળાનું પાણી પીશો કે અબોટ્યું બેડું ભરી આવું?’
કમર પર બાંધેલી ભેઠના તંગ ઢીલા કરતાં કરતાં ઓતમચંદે મજાક કરી : ‘એક વાર તો આ ગોળાનું પાણી પીને અભડાઈ જ ગયો છું, એટલે હવે વધારે અભડાવાપણું ક્યાં રહ્યું?’
સાંભળીને, મહેમાનની સાથે હીરબાઈ પણ હસી પડ્યાં.
પાણી પીતાં પીતાં અટકી જઈને ઓતમચંદ બોલ્યો: ‘અરે બેન, રોટલો દાઝતો લાગે છે!’
‘તાવડીમાં મેલીને ઊઠી’તી એટલે…’
‘તો ઉથલાવો, ઉથલાવો, ઝટ!’ નાકનાં ફોરણાં સડકાવી સડકાવીને ગંધ પારખતાં મહેમાને કહ્યું: ‘રોટલામાં ભમરો ઊઠી આવશે!’
‘બીજો ઘડીશ—’ હીરબાઈએ લાપરવાહીથી કહી દીધું.
‘એમ બાજરો કંઈ મફતનો આવ્યો છે, તે રોટલા બગડવા દઈએ!’ કહીને ઓતમચંદ ઊભો થયો. ‘હાલો, હું જ ચૂલા આગળ આવીને