લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બેસું. એટલે રોટલા ઘડવામાં તમને ખોટીપો ન થાય—’

‘તમને ચૂલા આગળ બેસાડાય?’ હીરબાઈએ ક્ષોભ અનુભવ્યો.

‘હું પણ રોટલો ખાવા જ આવ્યો છું!’ ઓતમચંદ બોલ્યો.

‘બેનની ઠેકડી કરો છો, ભાઈ?’

‘ઠેકડી નથી કરતો, સાચું કહું છું. બેન! રોટલા ટાણે કાંઈ અમથો આવ્યો હોઈશ?’

‘ભલે આવ્યા, ભાઈ! મારી આંખ માથા ઉપર!’ હીરબાઈ હરખાઈ હરખાઈને બોલતાં હતાં:

‘તમે આવ્યે મારું આંગણું ઊજળું થયું… પણ કોક હારે વાવડ તો કહેવરાવવા’તા!'

‘વાવડ કહેવરાવવા જેટલું ટાણું જ ક્યાં હતું? હું તો અટાણે અહીં મેંગણીમાં છું, તો રોંઢા ટાણે સરપદડમાં હોઈશ, ને સીંજા ટાણે કોક ત્રીજે જ ગામે પડાવ હશે.’

ચૂલા નજીક ચાકળો નાખીને મહેમાનને બેસાડતાં બેસાડતં આહીરાણીએ પૂછ્યું: ‘હમણાં કાંઈ બહ ગામતરાં કરવાં પડે છે ?’

‘મોસમ ટાણું છે ને!’

‘મેંગણીમાં તમારે કાંઈ વેપાર છે કે શું?’

‘અહીં વેપાર તો શું હોય? પણ મેંગણીમાંથી માલ જોખીએ છીએ… …’

‘કોનો?’

‘વજેસંગ ઠાકોરનો—’

સાંભળીને હીરબાઈ તો જાણે કે ડઘાઈ જ ગયાં. અસાધારણ આશ્ચર્ય સાથે બોલતાં રહ્યાં: ‘વજેસંગ ઠાકોરનો… ગામના ધણીનો? મેંગણીના દરબારનો માલ તમે જોખો છો, હેં ભાઈ?’

‘અમારા ગજા પરમાણે—’

‘ને વેચો છો કિયે ગામ?’

૩૦૬
વેળા વેળાની છાંયડી