લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બોલાવીને મારે સારુ નોખી રસોઈ કરાવતા’તા પણ મેં ના પાડી. કીધું કે ગોરદેવતાને ઠાલો દાખડો કરાવો મા, હું તો ગામમાં મારા બેનને ઘેર રોટલો ખાવા જઈશ—’

‘સાચે જ તમે આમ કીધું, હેં ભાઈ હીરબાઈએ ફરી આશ્ચર્ય અનુભવ્યું.

‘કહેવું જ પડે ને! મેંગણીમાં આવ્યો હોઉં, ને બેનનું ઘર મેલીને પારકે ઘેર ભાણું માંડું તો તમને કેવી ભોંઠપ લાગે!’

‘પણ દરબાર જેવા ગામધણીને તમે સાચે જ જમવાની ના પાડી દીધી, હેં ભાઈ? એવા મોટા માણસને માઠું ન લાગે?’

‘બેનનું નામ પડ્યું, એટલે દરબાર તો સમજી ગયા કે હવે આમાં વધારે તાણ્ય કરાય જ નહીં,’ ઓતમચંદે કહ્યું, ‘પણ ગોરદેવતાને બહુ માઠું લાગી ગયું. એણે કીધું કે શેઠ, તમે ચકાચક ચૂરમાના લાડવા ટાળ્યા!’

‘નરભો ગોર તો ચકાચકનો જ લાલચુ છે!’ હવે તો હીરબાઈએ નિરાંતે વાતો કરવા માટે ચૂલા પરથી તાવડી જ ઉતારી લીધી હતી. અત્યારે અહીં અનુપસ્થિત નરભા ગોરને એમણે સંભળાવી: ‘ઇ ચૂરમાના સવાદિયાને શેની ખબર હોય કે શેઠની બેનનું ઘર આ ગામમાં જ છે!’

આટલું કહીને મહેમાનને ખબર પણ ન પડે એવી રીતે હીરબાઈએ ચૂલા ઉપર તાવડીની જગ્યાએ સેવ બાફવા માટે આંધણ ભરીને ચડાવી દીધું.

અને હેતાળવી વાતોમાં સેલારાં લેતાં લેતાં એવી જ સિફતપૂર્વક આંધણમાં કશુંક ઓરી દીધું.

શેરીમાં રમવા ગયેલો બીજલ થોડી વારમાં આવી પહોંચ્યો અને લાડપૂર્વક બોલવા લાગ્યો, ‘મા, મા, ભૂખ લાગી છે—’

‘ભૂખ ભૂખ કરે છે, પણ કોણ મહેમાન આવ્યા છે, એ તો જો!

૩૦૮
વેળા વેળાની છાંયડી