લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 હજી તો ઓતમચંદ ‘રોટલા નહીં તો શું પીરસશો?’ પૂછવા જાય એ પહેલાં જ એના ભાણામાં, ઘીમાં રસબસતી સેવ પીરસાઈ ગઈ હતી.

‘આ શું? આ શું કરી નાખ્યું?’ ઓતમચંદ પૂછતો રહ્યો.

‘તમારી હારે વાતું કરવા રહી ને, એમાં રોટલા બધા દાઝી ગયા,’ કહીને હીરબાઈએ ઉમેર્યું: ‘તમે દરબારની ડેલીએ ચૂરમાના લાડવા મેલીને મારે આંગણે આવ્યા, તો બેન ગળ્યું મોઢું તો કરાવે કે નહીં?’

જમતાં જમતાં ઓતમચંદે એભલના સમાચાર પૂછ્યા.

હીરબાઈએ કહ્યું: ‘એ તો ઢોરાં ચરાવવા જાય છે તે ઠેઠ સીંંજા ટાણે પાછા વળે છે—’

‘ફિકર નહીં, હું મારી ઘોડીને વાડી ઢાળી તારવીશ ને એભલભાઈને રામરામ કરતો જઈશ—’

‘પણ, તમને અજાણ્યા માણસને વાડી જડશે કેમ કરીને?’

‘શું કામ નહીં જડે? ખળખળિયાને સામે કાંઠે ઢોર ચરે છે ને! ઓતમચંદે કહ્યું: ‘ખળખળિયું કાંઈ મારાથી અજાણ્યું થોડું છે? ખળખળિયાને કાંઠે જ હું ઢોરમાર ખાઈને પડ્યો’તો ને!— ને ત્યાંથી એભલભાઈ મને ઝોળીએ ઘાલીને અહીં લગી લઈ આવ્યા’તા ને!’

‘તમને હજીય સંધુય યાદ રહી ગયું છે ખરું?’ આહીરાણીએ કહ્યું.

‘એ તો જિંદગીભર યાદ રહેશે. બેન! તમે સગી મા જેવી ચાકરી કરીને મને મરવા પડેલાને જીવતો કર્યો, એ મરતાં લગીય કેમ કરીને ભુલાય?’ ઓતમચંદ અહેસાન વ્યક્ત કરતો રહ્યો, ‘તમારો તો હું ભવોભવનો ઓશિયાળો રહીશ. તમારા ગણનું સાટું વાળવાનું તો મારું ગજું નથી…!’

‘મને, ભાઈ વિનાનીને વિનાનીને ધરમનો ભાઈ જડી રિયો એ શું ઓછું ભાગ્ય છે, મારું? તમે તો મોટામાં મોટું સાટું વાળી નાખ્યું,’ કહીને હીરબાઈ બોલ્યાં: ‘ઉપરવાળા ભગવાને જ તમને અમારે આંગણે ઉતાર્યા—’

બહેનનો ભાઈ
૩૧૧