‘મનેય એમ જ લાગે છે, બેન! ભગવાને જ મને તમારે આંગણે ઉતાર્યો. નીકર તો, ક્યાં પડ્યું વાઘણિયું. ક્યાં એ ખળખળિયાની ભેંકાર કાંઠો ને ક્યાં આ અજાણ્યા ઘરની મહેમાનગતિ! તમારે હાથે મારું આયખું લંબાવવાનું લખાયું હશે એ મિથ્યા કેમ કરીને થાય?’
‘પણ મારા બીજલને મોસાળમાં મામા કહેવા જેવું કોઈ નહોતું રહ્યું, એને સગાથીય સવાયા હેતાળ મામા જડી રહેવાના હશે એ પણ મિથ્યા કેમ થાય?’
‘બીજલનાં લગનને હવે કેટલી વાર છે?’ ઓતમચંદ પૂછ્યું.
‘તમે મોસાળું લઈને આવો, એટલી જ વાર!’
‘હું તો તૈયાર જ છું, બેન! તમે ખોટે કહેશો તોય એ આવીને ઊભો રહીશ.’
‘તો આવતી અખાતરીજે આવી પૂગજો, લ્યો!’
‘સાચે જ? નક્કી જ છે ને?’
‘એમાં જરાય ફેર નહીં. અખાતરીજે બીજલ કંકુઆળો થાશે.’ હીરબાઈએ કહ્યું, ‘તમે મારી ભુજાઈનેય ભેગાં તેડતાં આવશો ને?’
‘જરૂર, જરૂર.’ ઓતમચંદે ખાતરી આપી.
જમી પરવારીને થોડી વારે વિદાય થતી વેળા ઓતમચંદે બીજલને કહ્યું, ‘હાલ્ય મારા ભેગો, મને ખળખળિયાનો કેડો બતાવી જા.’
‘જા બેટા, મામાને ઈશ્વરિયે જાવાનો કેડો બતાવી આવ.’ હીરબાઈએ બીજલને મહેમાન સાથે મોકલ્યો.
થોડી વારે પુત્ર પાછો ફર્યો ત્યારે માતાએ એને પૂછ્યું, ‘એલા, તારી આ ઝૂલડીના ગૂંજામાં દડા જેવું શું ઊપસી આવ્યું છે?’
બીજલ કશો જવાબ આપવાને બદલે હસતો હસતો મૂંગો જ રહ્યો, ત્યારે હીરબાઈએ કૂતુહલથી એનું ખિસ્સે ખંખેર્યું તો એમાંથી મૂળાનાં પતીકાં જેવા ધોળા દૂધ ગોળ ગોળ સિક્કા ખણણણ કરતા સરી પડ્યા.