૩૧
બીજલના ગૂંજામાંથી સરી પડીને નીચે જમીન પર દહીંના ફોદાની જેમ વેરાયેલા ચકચકતા સિક્કાઓ તરફ ચંપા પૃચ્છક નજરે તાકી રહી.
ચંપાના ચહેરા પર દેખાતો મૂંગો પ્રશ્નાર્થ સમજી જઈને હીરબાઈએ જ ખુલાસો કર્યો: ‘ઓતમચંદ શેઠ આપતા ગયા—બીજલને ગૂંજે ઘાલતા ગયા—મને કાપડાના કરી… …’
‘સમજી! સમજી!’ ચંપા બોલી ઊઠી ‘તમારા ધરમના માનેલા ભાઈ આપતા ગયા—’
‘ધરમના માનેલા ખરા, પણ સગાથી સવાયા—’ હીરબાઈએ ઉમેર્યું.
‘સાચું, સાચું.’ કહીને ચંપા આ કાપડું આપી જનાર ‘ભાઈ’ની આર્થિક સમૃદ્ધિની કલ્પના કરી રહી.
ઘણા દિવસથી ઊડતી વાતો કાને આવ્યા કરતી હતી કે ઓતમચંદ શેઠ એક વાર આર્થિક ફટકો ખાધા પછી હવે ફરી પાછા તરતા થઈ ગયા છે, શેઠે જૂના ચોપડા ઉથલાવવા માંડ્યા છે, જેનું જેવું લેનું રહી ગયું હતું એ સહુને ઘરે જઈને વ્યાજ સાથે લેણી રકમ ચૂકવવા માંડી છે. નબળા દિવસોમાં અબ્દુલવશેઠને વેચી નાખેલી ઘોડાગાડી પાછી ખરીદી લીધી છે; વાસ્તુ કર્યા પછી થોડા દિવસમાં ત્યાગવી પડેલી નવી મેડી પણ ફરી પાછી લઈ લેવાની વેતરણ ચાલી રહી છે.
આવા આવા ગામગપાટા ચંપાના કાન સુધી પણ પહોંચતા હતા, પણ એનું પોતાનું ચિત્ત એવી તો સંતપ્ત દશામાં હતું કે