લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુત્રની શક્તિઓનો પરચો આપવાની તક મળી શકી નહીં, કેમ કે તડકો નમતાં જ ઓતમચંદે મહેમાનને આદેશ આપી દીધો: ‘ચાલો, નવી મેડી જોવા જઈએ… કાલે તો વાસ્તુ થશે એટલે એની ધમાલ રહેશે… આજે નિરાંતે બધુંય જોઈ લઈએ.’

અને કપૂરશેઠ યજમાન સાથે ઊપડ્યા. પુરુષવર્ગનો આવશ્યક મલાજો રાખીને તેમની પાછળ પાછળ થોડું અંતર જાળવીને સ્ત્રીવર્ગ પણ ઊપડ્યો. લાડકોર હોંશે હોંશે સંતોકબાને અને એમની બંને પુત્રીઓને પોતાનું નવું બંધાયેલું મકાન બતાવવા ઊપડી.

જૂના જમાનાના શિષ્ટાચારના કેટલાક અણલખ્યા શિરસ્તાઓ મુજબ નરોત્તમે ખરી રીતે તો પુરુષવર્ગની સાથે જવું જોઈતું હતું પણ એનું યૌવનસુલભ ચાંચલ્ય અત્યારે ચંપાની સાથે ચાલવાનું પ્રલોભન ટાળી શક્યું નહીં.

નરોત્તમના આ ચાંચલ્યનો ચેપ બાલુને પણ લાગ્યો અને એણે પણ ઇરાદાપૂર્વક પાછળ રહી જઈ એકાદ ગાયનની લીટી ગણગણવા માંડી.

બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા. અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને બદલે ડફણાને જ પાત્ર હતો.

‘આ આપણી મેડી…’ દસ-વીસ ફૂટ દૂરથી એક નવું જ બંધાયેલું મકાન બતાવતાં ઓતમચંદે કહ્યું.

‘ઓહો… હો… હો !’ તમે તો વગડો વાળ્યો છે, વગડો, ઓતમચંદભાઈ !’ મકાનનો વિસ્તાર અને આસપાસની ખુલ્લી જગ્યા જોઈને જ કપૂ૨શેઠે અહોભાવ વ્યક્ત કરી દીધો.

‘જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત આવી ગયો એટલે કીધું કે વાળી લઈએ…’ ઓતમચંદે કહ્યું: ‘આજ એવું કાલ

ત્રણ જુવાન હૈયાં
૩૧