આપણી ચંપાની સહીપણી છે. આજે કોઈ મહેમાન જમવા આવ્યા હશે તો ચંપા જાણી આવશે—’
‘મને તો લાગે છે કે એણે બહેનના ઘરનું બહાનું જ કાઢ્યું હશે— પોતાને ઘરે પહોંચવાની ઉતાવળ હશે, એટલે.’
‘મનેય એમ લાગે છે.’
મનમાં આછું આછું મલકાતી ચંપા અંદરના ઓરડામાં ઊભી ઊભી ઓસરીમાં થતી આ વાતચીત સાંભળી રહી હતી, ત્યાં જ ટપાલીનો પરિચિત અવાજ કાને પડ્યોઃ
‘લેજો, કપૂરબાપા!’
‘લ્યો, મનસુખલાલનો જ કાગળ નીકળ્યો!’ કપૂરશેઠ બોલ્યા.
‘ફોડ્યા વિના તમને કેમ ખબર પડી?’
‘એના અક્ષર ને આ વિલાયતી પેઢીનું છાપેલું નામ ઓળખાઈ જાય ને!’
‘વાંચો તો ખરા, શું લખે છે!’ સંતોકબાએ કહ્યું, ‘કોઈ નવું ઠેકાણું ગોત્યું છે કે નહીં?
‘બિચારાએ હજાર ઠેકાણાં તો ગોતી દીધાં’તાં, પણ આપણી છોકરીને એકેય મનમાં ઊતર્યું નહીં એમાં કોઈ શું કરે?’ કહીને ચંપા વિશે બબડતા કપૂરશેઠે કાગળ વાંચવા માંડ્યો.
કાગળ વંચાતો રહ્યો એ દરમિયાન ઓસરીમાં શાંતિ પથરાઈ ગઈ, પત્રનો સારાંશ જાણવા માટે સંતોકબા તલપાપડ થઈ રહ્યાં પણ એમના કરતાંય, કાગળની વિગતો જાણવાની વધારે તાલાવેલી તો ચંપાને લાગી હતી. સંતોકબાની અધીરાઈમાં કેવળ કુતૂહલ હતું, ત્યારે ચંપાની અધીરાઈમાં ચિંતા હતી, ઉદ્વેગ હતો. પોતે મામાને ઘેર રહેલી એ દરમિયાન એને જે માનસિક સંતાપ વેઠવો પડ્યો હતો, એની અસર હજી પણ સર્વાંશે દૂર થઈ નહોતી. મુનસફના છોકરા સહિત જે અનેક હાલીમવાલી યુવાનો સમક્ષ એને ઉપસ્થિત થવું