એના મોઢામાંથી તો નવો પ્રશ્ન વછૂટી જ ગયો હતો:
‘યાદ તો કરી જુઓ! બરોબર સંભારી જુઓ. કોઈ કરતાં કોઈ યાદ આવે છે?’
કાબેલ ધારાશાસ્ત્રીની ઢબે જાણે કે ઊલટતપાસમાં પુછાયેલા આ અર્થસૂચક પ્રશ્નનો એકમાત્ર અને એકાક્ષરી ઉત્તર તો ‘હા’ હતો. પણ એ હકાર શી રીતે વ્યક્ત ક૨વો એ ભોળા નરોત્તમને સમજાયું નહીં.
‘બરોબર સંભારી સંભારીને યાદ કરી જુવો!’ શારદાની પજવણી ચાલુ હતી. ‘કોણ ભુલાઈ ગયું છે, ભલા?’
હવે નરોત્તમને ખ્યાલ આવ્યો કે શારદા તો ચંપાની બાળગોઠિયણ છે, અને તેથી જ પોતાની સહીપણીનો સંદેશ લઈને અહીં આવી છે અને આટલા ઉત્સાહથી આ પજવણીભરી પૂછગાછ કરી રહી છે. મારે મોટેથી ચંપાનું નામ લેવડાવવાની જાણે કે પ્રતિજ્ઞા કરીને જ અહીં આવી લાગે છે. સામી વ્યક્તિના આદેશ અનુસાર વર્તવામાં નરોત્તમને જાણે કે પોતાનો અહમ્ ઘવાતો લાગ્યો તેથી એ કશું બોલવાને બદલે મૂંગો મૂંગો હસતો જ રહ્યો.
‘તમે તો ભારે ભુલકણા નીકળ્યા, ભાઈ! માણસ જેવા માણસને આમ સંચોડા ભૂલી જાવ છો, તે તમારે પનારે પડનારાના તો કેવા હાલ થાય!’ શા૨દાએ પ્રેમભર્યા પ્રહારો ચાલુ રાખ્યા. ‘અરે, કાં બોલવાને બદલે આમ મરક મરક શું કર્યા કરો છો?… મોઢામાં મરી ભર્યાં છે?… કે પછી કોણ ભુલાઈ ગયું છે એનું નામ લેતાં શરમાવ છો?… અરે, તમે ભાયડા માણસ શરમાવા બેસશો તો અમે સાડલા પહેરનારીઓ શું કરશું પછી?… બોલી નાખો ઝટ કોણ ભુલાઈ ગયું છે?’
નરોત્તમે હવે બોલવા ખાત૨ જ બોલી નાખ્યું: ‘કોઈ યાદ નથી આવતું—’