પણ આવો બનાવટી ઉત્તર સાંભળીને શારદા કાંઈ શાંત રહે એમ નહોતી. એણે તો સાડલા તળે ક્યારની ઢાંકી રાખેલી એક ચીજ બહાર કાઢી. નાનકડા કપડામાં વીંટાળેલી એ વસ્તુ તરફ નરોત્તમ કુતૂહલથી જોઈ રહ્યો. આ ચાલાક છોકરી હવે કયો દાવ અજમાવે એ જાણવા એ ઇંતેજાર બની રહ્યો.
શારદાએ એ નાનકડી પોટકી પર બાંધેલું કપડું છોડી નાખ્યું તો એમાંથી એક વિલાયતી રમકડું નીકળી પડ્યું. એક ગોરો સાહેબ છત્રી લઈને ઊભો છે અને એની છાયામાં લપાઈને એની મઢમ ઊભી છે.
નરોત્તમ તો આભો બનીને આ રમકડાં તરફ જોઈ જ રહ્યો.
‘હવે કાંઈ યાદ આવે છે?’ શારદાએ કહ્યું, ‘હવે તો તમે ગમે તેવા ભુલકણા હશો ને, તોય યાદ આવ્યા વિના નહીં રહે.’
નરોત્તમને એક યાદ તો તાજી થઈ પણ એ યાદને પરિણામે તો એ વધારે ગૂંચવણમાં પડ્યો. ઝડપભેર બોલી ગયો: ‘આ રમકડું તો મે બટુક સારુ વાઘણિયે મોકલાવ્યું’તું—’
‘હવે ચંપાએ તમને મોકલાવ્યું છે.’
‘પણ એની પાસે ક્યાંથી આવ્યું? કેમ કરીને આવ્યું?’
‘એનું તમારે શું કામ?’ શારદાએ કહ્યું, ‘આ તો તમારી મોકલેલી ચીજ ચંપાએ પાછી તમને મોકલી દીધી ને ભેગાભેગું કહેવરાવ્યું પણ છે, કે—’
બોલતાં બોલતાં શારદા ઇરાદાપૂર્વક જરા ખચકાઈ, એટલે નરોત્તમે પૂછ્યું: ‘શું? શું કહેવરાવ્યું છે?’
‘એમ કહેવરાવ્યું છે કે આ રમકડામાં જે બે જણાં ભેગાં ઊભાં છે, એને ભેગાં જ રહેવા દેજો—’
‘હા…’
‘આ બેય જણાં નોખાં ન પડી જાય એનું ધ્યાન રાખજો—’
નરોત્તમ ઘડીભર મૂંગો થઈ ગયો તેથી શારદાએ વધારે ભારપૂર્વક