લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહીં. આપણા બહોળા વેપા૨નાં જોખમ પણ બહોળાં… કોને ખબર છે કાલની ?’

‘પણ પાણામાં આટલો બધો પૈસો નાખી દેવાય, ભલા માણસ ?’ કપૂરશેઠે કહ્યું: ‘આમાંથી તો ટકો વ્યાજ પણ ન છૂટે.’

‘વ્યાજ ભલે ને ન છૂટે… પાણામાં નાખ્યું સચવાય તો ખરું ને ! વેપારમાં તો તડકાછાયા… આવે ને જાય… પણ આ પાણા કોઈ નહીં ઉપાડી જાય…’

‘સાચું, સાચું, સાવ સાચું…’ કપૂરશેઠે પણ સૂર પુરાવ્યો: ‘મેડી ચણાવીને તમે ભારે ડહાપણનું કામ કર્યું છે, ઓતમચંદભાઈ !’

બે શેઠિયાઓની આ વહેવારની વાતો સાંભળીને પાછળ પાછળ ચાલતા મુનીમ અને દકુભાઈ મૂછમાં હસતા હતા. એમને આવી દીર્ઘદૃષ્ટિયુક્ત વહેવારની વાતો સાવ વાહિયાત લાગતી હતી, કેમ કે, એમની દૃષ્ટિ જ ટૂંકી હતી.

દરવાજામાં દાખલ થતાં જ કપૂરશેઠે કમાન પર મોટે અક્ષરે કોતરાયેલા શબ્દો વાંચ્યાં:

‘હ-રિ-નિ-વા-સ.’

અને થોડી વાર વિચાર કરીને એમણે કહ્યું: ‘તમે તો મેડી ઉપર તમારે બદલે ભગવાનનું નામ લખી નાખ્યું !’

‘આ બધી ઈશ્વરની જ લીલા છે ને ! આપણે તો એના હાથમાં રમતાં રમકડાં છીએ—’

‘સાચું… સાચું…’

‘ધન, લક્ષ્મી પણ એની જ લીલા છે, નાણું તો હાથનો મેલ છે… આજે આવે ને કાલે ચાલ્યું જાય… આજે આવતો દી છે, કાલે માઠો દી આવે…’

‘બરોબ૨—’

‘એટલે જ આવતા દીનો એંકાર ન કરવો… માઠા દીનો શોક

૩૨
વેળા વેળાની છાંયડી