‘કારણ એટલું જ કે બીજા કોઈને ખબર પડે તો વધારે ગોટાળો થઈ જાય એમ છે…
‘તમે તે કેવી વાત કરો છો!’
‘તને હમણાં નહીં સમજાય, પણ હું સાચું કહું છું. મારું નામ નરોત્તમ છે, એવી મનસુખભાઈને જાણ થઈ જાય તો એને બહુ માઠું લાગી જાય!
‘પણ આવાં નાટક તે ભજવાતાં હશે?’
‘અરધું તો ભજવાઈ ગયું છે, એટલે હવે તો ગમે તેમ કરી પૂરેપૂરું ભજવવું પડે ને?’ નરોત્તમે કહ્યું, ‘માણસને ઘણી વાર સાચી જિંદગી કરતાં નાટકની જિંદગી જોવી વધારે ગમે છે.’
‘એ તો કોઈ પારકાની જિંદગીનાં નાટક જોવાં ગમે,’ શારદાએ કહ્યું, ‘પોતાની જિંદગીમાં તે કાંઈ નાટક કરાતાં હશે?’
‘કોઈ વાર કરવાંય પડે,’ શારદા સાથેની આટલી વાતચીત પછી આટલી નિકટતા કેળવાઈ હોવાથી નરોત્તમે અંત૨ની વાત કહેવા માંડી.
‘તને ખબર છે, અહીં રાજકોટમાં અમારાં સગાંવહાલાં બહુ છે. હું શરૂઆતમાં અહીં આવ્યો ત્યારે એ સહુ સગાં મારી ઓળખાણ જ ભૂલી ગયાં હતાં. રસ્તામાં સામાં મળી જાય તો મને જોયો ન જોયો ક૨ીને આઘાં તરી જતાં. હવે એ બિચારાંને સહુને ખબર પડે કે મંચેશાની પેઢીમાં પરભુલાલ નહીં પણ નરોત્તમ કામ કરે છે, તો વળી પાછી એમને ઓળખાણ તાજી ક૨વાની તકલીફ લેવી પડે ને?’
‘સમજી! સમજી! ત્યારે તો સ્ટેશન ઉપર મજૂરી કરી. ત્યારે પણ નાટક જ ભજવતા હતા, ખરું ને?’
‘મજૂરી? સ્ટેશન ઉપર?’
‘કેમ વળી? માથે સામાન ઉપાડીને મનસુખભાઈને ઘેરે મૂકવા આવેલા ને?’ શા૨દાએ યાદ આપી. ‘કે પછી, બીજું ઘણુંય ભૂલી ગયા, એમ એ વાત પણ ભૂલી જવા માગો છો?’