લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘કાંઈક એવું કહેવરાવો, કે જેથી એને ઉચાટ ઓછો થાય. મનમાં કચવાટ ઓછો થાય, જીવને નિરાંત થાય—’

‘તું મોઢે જ કહી દેજે ને’ નરોત્તમે સૂચવ્યું.

‘આવી વાતમાં મોઢાનાં વેણ કોઈ માને?’

‘તું તો ભારે કાયદાબાજ નીકળી—મોટા બારિસ્ટર જેવી!’ નરોત્તમે કહ્યું: ‘મારી પાસેથી લેખિત દસ્તાવેજ લેવું છે?’

‘દસ્તાવેજ પણ શું કામનું? ચંપાને બિચારીને વાંચતાં કે લખતાં થોડું આવડે છે?’ શારદાએ સ્ફોટ કર્યો. એટલે તો બિચારીએ પોતાના મનની વાત તમને પહોંચાડવા સારુ આ રમકડાનું ઓઠું લીધું—’

‘હું પણ એવું જ કંઈક ઓઠું લઉં તો કેમ? નરોત્તમ બોલતાં તો બોલી ગયો. પણ તુરત પાછો મૂંઝવણમાં પડી ગયો.

‘સોનાથી ઊજળું શું બીજું?’ શારદાએ કહ્યું, ‘તમેય કાંઈક એવું જ એંધાણ મોકલો કે બિચારીના અંતરનો ઉચાટ ઓછો થાય ને ભેગાભેગું તમારું સંભારણું પણ નજર સામે રહ્યા કરે.’

શારદાને મોઢેથી ‘સંભારણું'નું સૂચન સાંભળીને નરોત્તમે ઝીણી નજરે દીવાનખાનામાં આમતેમ જોવા માંડ્યું.

દરમિયાન, શારદાએ ચંપાની વકીલાત કરવાનું તો ચાલુ જ રાખ્યું હતું:

‘મારી બહેનપણીને કાંઈક એવું સંભારણું મોકલો, કે આઠે પહોર તમે એની આંખ સામે જ રહ્યા કરો—’

હવે નરોત્તમ હસવાનું રોકી ન શક્યો: ‘મારી છબી પડાવી મોકલું?’

‘હાય હાય! આ શું બોલો છો? આ શહેરમાં રહીને તમે તો સાહેબલોક જેવી વાત કરો છો!’ શારદાએ ઠપકો આપ્યો. ‘છબી મોકલો, ને ચંપાનાં માબાપના હાથમાં આવે તો બિચારીને ગળાટૂંપો જ દઈ દિયે કે બીજું કાંઈ કરે?’

૩૩૨
વેળા વેળાની છાંયડી