લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આ ચીજ પોતે જ ઓછું કહે છે કે હજી વધારે કાંઈ કહેવડાવું પડે?’ નરોત્તમ બોલ્યો.

‘સમજી ગઈ! સમજી ગઈ! આ બે પંખીની જેમ તમે ભેગાં જ રહેવાનાં!’ કહીને શારદાએ મજાકમાં ઉમેર્યું: ‘નરોત્તમભાઈ, તમે તો ગજબના પહોંચેલ નીકળ્યા! પણ એમાં કાંઈ નવાઈ જેવું નથી… અંતે તો તમે વ૨ કોના? ચંપાના જ ને!’

‘ને તું પણ કાંઈ ઓછી માયા નથી!’ નરોત્તમે વળતી મજા કરી. ‘આ રમકડાંના સાટાપાટાનું કારસ્તાન કરી ગઈ! તું પણ અંતે તો સહીપણી કોની?—’

‘તમારી ચંપાની જ! એણે તો મને આ સુઝાડ્યું. મારી તો આમ અકલ પણ કામ ન કરે,’ કહીને શારદાએ છેલ્લો ટોણો મારી લીધો, ‘જેવું તમે કારસ્તાન કર્યું, એવું ચંપાએ કર્યું—’

‘ને એ બેય કા૨સ્તાનમાં કાસદિયાનું કામ શારદાએ કર્યું. બરોબર ને?’

‘હું તો તમારા આ નાટકમાં સખીની જેમ દાસી જેવું કામ કરું છું સંદેશા લઈ આવવાનું ને લઈ જવાનું—’

‘આને નાટક કહે છે, તું?’

‘નહીં વળી? નરોત્તમભાઈ પરભુલાલ શેઠનો પાઠ ભજવે, એને નાટક નહીં તો શું ચેટક કહેવાતું હશે?’

‘તો હવે આ નાટકની વાત તારા મનમાં જ રાખજે,’ નરોત્તમે સૂચના આપી: ‘મેંગણીમાં કોઈને પરભુલાલના સાચા નામની જાણ ક૨જે મા—’

‘એક ચંપા સિવાય,’ કહીને શારદા હસતી હસતી બંગલા બહાર નીકળી.

૩૩૪
વેળા વેળાની છાંયડી