પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ન કરવો… જિંદગી તો તડકાછાયા છે,’ ઓતમચંદે કહ્યું: ‘માયાની મમત ન કરાય. આ મેડી ભલે મેં બાંધી, પણ એ મારી છે એમ ન કહેવાય. મિલકત તો વારા બદલે… આજે એનો ભોગવટો હું કરું છું, કાલે સવારે કોઈ બીજો ધણી એનો ભોગવટો કરે… એટલે જ મેં એને ભગવાનનું નામ આપી દીધું… ભગવાનને અર્પણ કરી દીધી…

ઓતમચંદ ભેંસ આગળ ભાગવતની જેમ ફિલસૂફી ઠાલવી રહ્યો હતો ત્યારે દકુભાઈ અને મુનીમે ફરી મૂછમાં હસવા માંડ્યું હતું.

ઓતમચંદે ઓરડે ઓરડે ફરીને મહેમાનને મકાન બતાવ્યું.

‘આ આગલી ઓસરી… આ રાંધણિયું… આ કોઠાર… આ બેઠકના ઓરડા…’

બરોબર એ જ વખતે ઉપલે માળે લાડકોર પણ સંતોકબાને ઓરડે ઓરડે ફેરવી રહી હતી.

‘આ અમારો સૂવા-બેસવાનો ઓરડો… આ કોઈ મહીમહેમાન આવે એના ઉતારાનો ઓરડો… ને આ અમારા નરોત્તમભાઈની આવતી વહુનો ઓરડો…’

સાંભળીને નરોત્તમ તો, સ્વાભાવિક રીતે શ૨માયો જ, પણ કોણ જાણે કેમ, ચંપાના રતૂમડા મોં ઉપ૨ પણ શરમના શેરડા પડતાં એ ગૌ૨વર્ણું મોં વધારે રતૂમડું બની ગયું.

મોટી બહેનના ચહેરા ૫૨ એકાએક આવી ગયેલો આ ભાવપલટો, કાગદૃષ્ટિ ધરાવનાર જસીની નજર બહાર રહી શક્યો નહીં. વળી એ ભાવપલટાનું કારણ—કહો કે નિમિત્ત—પણ નાની બહેનની જાણ બહાર નહોતું.

તુરત જસીએ હસતાં હસતાં હળવેક રહીને ચંપાના પડખામાં ચૂંટી ખણી.

સારું થયું કે બંને વડીલો—લાડકોર અને સંતોકબા—બે ડગલાં

આગળ નીકળી ગયાં હતાં; કેમ કે, જસીએ ચૂંટી ખણતાં ચંપા પણ

ત્રણ જુવાન હૈયાં
૩૩