એટલે કીલાએ ઉમેર્યું: ‘આ સહુનાં સ્વાર્થ સધાવવા સારુ આ કીલાએ ઘરસંસાર માંડવો?
‘મને તો આ તમારી વાત ગળે ઊતરતી નથી,’ નરોત્તમે કહ્યું : ‘એ લોકો બિચારા લાગણીથી તમને પરણાવવાની વાત લઈને આવ્યા એમાં અત્યારથી જ તમે કેમ માની બેઠા કે તમારી પાસે પોતાના સ્વાર્થ સધાવવા માગે છે?’
‘મોટા, તેં હજી મારા જેટલી દુનિયા જોઈ નથી. એટલે આવી વાત ઘડીકમાં નહીં સમજાય. આ શિરસ્તેદારની ખુરસી ઉપર બેસનારાએ આજ સુધીમાં કેવા ધંધા કર્યા છે, એની તને ક્યાંથી ખબર હોય? કીલાએ સ્ફોટ કર્યો: ‘આજ સુધી સંધાય શિરસ્તેદારો લાંચિયા ને ખાઉધરા જ આવ્યા છે. એટલે તો એ. જી. જી. સાહેબે મને રઝળતા માણસને હાથ ઝાલીને આ હોદ્દા ઉપર બેસાડ્યો છે. ને હવે હું પોતે જ એવા ધંધા કરું તો, મારું તો નહીં પણ મારા બારિસ્ટર બાપનું નામ લાજે ને?’
‘એવું કામ કરવાનું કોઈ કહેવા આવે ત્યારે ના કહી દેજો.’
‘પણ એના કરતાં આવી પળોજણમાં પડવાને બદલે હું રેંકડી હાંકવા જ ન હાલ્યો જાઉં? ભલાં મારાં રમકડાં ને ભલો હું—’
કીલાનું દૃઢ વલણ જોઈને, અને પોતાની પાસે દલીલો ખૂટવાથી નરોત્તમ મૂંગો થઈ ગયો એટલે કીલાએ પોતાનું મંતવ્ય ભારપૂર્વક ઠસાવવા ઉમેર્યું: ‘મોટા, તેં હજી દુનિયાના મામલા ઝાઝા જોયા નથી એટલે આવી વાત નહીં સમજાય. મારા વાલેશરી ને હિતેશરી થઈ ફૂટી નીકળેલા આ સહુ તો લાભેલોભે લોટે છે. બાકી આ કીલો તો ગામ આખાની નજર સામે સ્ટેશન ઉપર આટલાં વરસથી પડ્યો હતો. પણ ત્યારે કેમ કોઈ મારો ભાવ પણ નહોતા પૂછતા? આ તો મીઠીબાઈસ્વામી વખાણમાં કહે છે એમ, સમા સમાને માન છે. માણસ પોતે તો એના એ જ હોય છે. પણ સમો બળવાન છે. બાણાવળી