૩૪
કીલા તરફથી ‘બોલો, કાકા!’ એવો આદેશ મળ્યો છતાં જૂઠાકાકાની જીભ ઊપડી શકી નહીં. બે-ત્રણ વાર હોઠનો મૂંગો ફફડાટ થયો પણ એમાંથી વાચા ફૂટી શકી નહીં, તેથી કીલાના મનમાં ઉદ્ભવેલી શંકા વધારે ઘેરી બની. એમનો ક્ષોભ ઓછો કરવા કીલાએ કહ્યું:
‘કાકા, મૂંઝાવ મા જરાય, મને ઘરનું જ માણસ ગણીને, જેવું હોય એવું કહી નાખો તમતમારે—’
‘તમને ઘરનું માણસ ગણું છું એટલે તો આજે અહીં આવ્યો છું. પારકાને કાને તો આની ગંધ પણ જવા ન દેવાય એવી વિપદ આવી પડી છે—’
‘આ કીલાને મોઢેથી કોઈને કાને વાત નહીં જાય. હું તો મોઢા ઉપર ખંભાતી મારીને કરું છું, એ તમને ખબર છે?’ કીલાએ ખાતરી આપી અને પછી, ડોસાની રુદ્ધ વાચાને મુક્ત કરવા અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માંડ્યું, ‘વિપદ તો આ સંસારમાં આવે ને જાય, તમે સાધુસાધ્વીના ઉપદેશ સાંભળ્યા હશે. મીઠીબાઈસ્વામી વખાણમાં નથી કહેતાં, કે વિપદ પડે તોય વણસે નહીં, એનું નામ માણસ!’
‘મહાસતીનાં વેણ તો મોંઘાં રતન જેવાં છે… …’ ડોસા બોલ્યા: ‘પણ મારી વિપદ બહુ વસમી છે, કીલાભાઈ!—’
‘એનું નામ જ પંચમકાળ, કાકા! દૂબળાં ઢોરને બગાં ઝાઝી, એમ તવાયેલાંની વધારે તાવણી થાય,’ કીલાએ આશ્વાસન આપીને કહ્યું: ‘કહી દિયો, જેવું હોય એવું—’