પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘વાત કીધી જાય એવી નથી, કીલાભાઈ!’ ડોસાએ પોતાની આંતરવેદના વ્યક્ત કરી: ‘માલીપા ભડભડ હૈયાહોળી બળે છે.’

‘એટલે તો કહું છું કે દુખિયું માણસ બીજા દુખિયાને કાને પેટછૂટી વાત કરે તો હૈયાભાર હળવો થાય—’

‘ભાર હળવો કરવા તો આ ઉંબરે પગ મેલ્યો છે; આવડા મોટા ગામમાં મારે તમ સિવાય બીજો કોઈ વિસામો નથી.’ જૂઠાકાકા હજી અંતરની વાત કરવાને બદલે આડાઅવળા ઉદ્‌ગારો કાઢીને મૂળ મુદ્દા પર—અણગમતા કથન પર - આવવાનું ટાળતા હતા: ‘બારિસ્ટર સાહેબની અમીનજરમાં હું ઊછર્યો’તો… ને હવે તમારામાં તો બાપુ કરતાંય અદકાં અમી ભાળું છું…’

‘હું તો રાંકના પગની રજ છું, કાકા! તમ જેવો જ દુખિયો જીવ છું. દુખિયા માણસને વિપદ ટાણે બીજો દુખિયો સાંભરે એમાં શી નવાઈ?’ કીલો ધીમે ધીમે ડોસાનો સંકોચ ઓછો કરતો જતો હતો: ‘મીઠીબાઈસ્વામી સાચું જ કહે છે, કે સુખ એકલાં એકલાં ભોગવવું સારું લાગે; પણ દુઃખ તો બે-ચા૨ જણ ભેગાં થઈને ભોગવીએ તો હળવું લાગે—’

‘મારી ઉપર તો દુઃખનો ડુંગર આવી પડ્યો છે. મારે એકલાએ જ એનો ભાર ભોગવવો પડે એમ છે—’

‘તોય એક કરતાં બે ભલા. કહેવત ખોટી છે, કે એક કી લકડી, સો કા બીજ?’ કીલોએ કહ્યું. ‘મારાથી જરાય જુદાઈ જાણશો મા કાકા! જીવને નિરાંત રાખી, સ૨ખાઈથી વાત કરો તો એમાંથી કાંઈક રસ્તો નીકળશે—’

કીલાનાં આટલાં સાંત્વનોને પરિણામે ડોસાએ થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી. ક્ષોભ અને સંકોચ દૂર થતાં એમણે શરૂ કર્યું:

‘આપણી ગગી છે ને… મોંઘી—’

‘હા, હા.’

પાંખ વિનાની પારેવડી
૩૪૭