‘એને ઘ૨કામ ક૨વા તેડાવી’તી—’
‘કોણે?’ કીલાએ જરા અધીરપથી પૂછ્યું.
‘એનું કાળમુખાનું નામ લઈશ, તોય હું પાપમાં પડીશ.’ જૂઠાકાકાએ કહ્યું, ‘પણ આપણા અપાસરાના મુખીને તો તમે—’
‘ઓળખું છું, ઓળખું છું!’ કીલો ઉગ્ર અવાજે બોલી ઊઠ્યો ‘પગથી માથા લગી ઓળખું છું. એની પાંથીએ પાંથીમાં હું ફરી વળ્યો છું. કાંઈ કરતાં કાંઈ અજાણ્યું નથી—’
‘એ વારે ઘડીએ મોંઘીને કાંઈક ને કાંઈક ઘરકામ ચીંધ્યા કરતા. આજે ઘઉં વીણવા છે, તે ઘેરે આવજે… આજે પાપડ વણવા છે એટલે જરાક હાથ દેવા આવજે… આમ એક કે બીજે બહાને ગગીને ઘેર તેડાવતા—’
‘પણ તમે એને સબળ મોકલતા?’ કીલાએ વચ્ચે પૃચ્છા કરી.
‘ભાઈ, હું તો એને મોકલવામાં જરાય રાજી નહોતો… શેઠની આબરૂ તો ગામ આખું જાણે જ છે, એટલે મોંઘીને મોકલતાં મારૂં મન જરાય માનતું નહોતું…’ જૂઠાકાકાએ કબૂલાત કરી. ‘ને વળી શેઠાણીએ પોતે ઊઠીને મને ચેતવ્યો હતો… કાનમાં ફૂંક મારી રાખી’તી, કે મોંઘીને મોકલજો મા—’
‘તોય તમે મોકલી?’
‘કહું છું ને, કે આમાં વાંક મારો જ છે… મોટા માણસનું વેણ ઉથાપી ન શક્યો, ને મને-કમને મોકલાવી.’
‘બહુ કરી તમે તો… હાથે કરીને ગાયને કસાઈવાડે મોકલાવી,’ કીલાએ ઠપકો આપ્યો. પણ મોંઘી પોતે કાંઈ—’
‘છોકરી એવી તો રાંકડી છે, કે સંધુંય મનમાં ને મનમાં ખમી ખાધું,’ જૂઠાકાકાએ કહ્યું: ‘બિચારી એની મા જેવી ગરીબડી… મરતાંનેય મર ન કહે એવી ટાઢીશીળી… મોંઘીના રાંકડા સ્વભાવમાંથી જ મોંકાણ ઊભી થઈ ને!’