પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ માણસનું જીવતર રોળી નાખવાનું બીજા માણસનું ગજું નથી.’

સાંભળીને, હતાશ જૂઠાકાકા કીલા તરફ આશાભરી મીટ માંડી રહ્યા. હજી એમને કીલાની ગૂઢ વાણી બરોબર સમજાઈ નહોતી, તેથી પૂછી રહ્યા: ‘પણ મોંઘીનું જીવતર તો રોળાઈ જ ગયું, એમાં બાકી શું રહ્યું છે હવે?’

‘કોણે કીધું કે રોળાઈ ગયું? એમ એક નાનકડી ભૂલ થાય, એમાં શું જિંદગી આખી હારી બેસાય?’ કીલો આ વૃદ્ધ માણસને હિંમત આપતો હતો. ‘ભૂલનો ઉપાય કરવો જોઈએ, કાકા! આપણને પગ ઉપર ગૂમડું થાય છે, તો ગૂમડા ઉપર પોટીસ મેલીએ છીએ. આખેઆખો પગ કાપી નથી નાખતા. પગ ખોટો પડી જાય, તો માણસને કાખઘોડી બંધાવીએ છીએ, પણ એને આખેઆખો મારી નથી નાખતા. સમજણ પડી કાકા?’

સાંભળીને ડોસા વધારે આશાભરી આંખે કીલા તરફ જોઈ રહ્યા, પણ હજી એમને આ સલાહના રૂપકાર્યમાં બહુ સમજણ પડતી નહોતી.

કીલો ફેરવી ફેરવીને એકની એક વાત મભમ રીતે આ વડીલના મગજમાં ઠસાવવા મથતો હતો:

‘જિંદગીમાં તો ઘણાય ખાડાખાબડા આવે. એકાદ ઠેકાણે પગ લપસી જાય, ને માણસ અંદર પડી જાય, તો એને હાથ ઝાલીને ટેકો આપીને બહાર કાઢવો જોઈએ. ખાડામાં પડેલાને માથે, મડદાંની જેમ ધૂળ વાળીને ઢાંકી ન દેવાય. જીવતા માણસમાં ને મરેલા માણસમાં આટલો જ ફેર. સમજણ પડી ને કાકા?’

ડોસા એકચિત્ત આ સલાહસૂચન સાંભળી રહ્યા અને એમાંથી એમને, ‘હાથ ઝાલીને કાઢવું જોઈએ’ શબ્દો જચી ગયા. ‘હાથ ઝાલીને બહાર કાઢવું જોઈએ’ અત્યંત સ્વાભાવિકપણે ઉચ્ચારાઈ ગયેલી આ ઉક્તિ વૃદ્ધના વ્યથિત ચિત્તમાં ફરી ફરીને ઉચ્ચારણ પામતી રહી અને એ શબ્દોમાંથી પિતાના વત્સલ હૃદયે પુત્રી માટે વાચ્યાર્થ પણ

પાંખ વિનાની પારેવડી
૩૫૧