પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગોરા સાહેબે આ ગમગીનીનું કારણ પૂછ્યું ત્યારે કીલાએ પહેલાં તો એ અંગત પ્રશ્ન રોળીટોળી નાખ્યો. પણ વિચક્ષણ દૃષ્ટિ ધરાવનાર સહૃદય સાહેબે જ્યારે વારંવાર એ વિશે પૂછપરછ કરવા માંડી ત્યારે કીલાએ આખી કથની અથેતિ કહી સંભળાવી. જૂઠાકાકાની પુત્રીની કરુણ પરિસ્થિતિ સમજાવી અને એમાંથી માર્ગ કાઢવામાં પોતાને અનુભવવી પડતી દ્વિધાનો ખ્યાલ આપ્યો.

કીલાને સ્વમુખેથી એના પૂર્વાશ્રમની રજેરજ હકીકત જાણી ચૂકેલા વૉટ્સન સાહેબને એની દ્વિધાવૃત્તિ સમજાતાં વાર ન લાગી. તેઓ જાણતા હતા કે કીલો એક વાર નિર્વેદાવસ્થામાં સાધુજીવનની દીક્ષા લઈ ચૂક્યો છે. એ દીક્ષાના પ્રતીક રૂપે રુદ્રાક્ષના મોટા મોટા પારાવાળી એક માળા પણ હજી એની ડોકમાં મોજૂદ હતી.

કીલાએ સાહેબ સમક્ષ કબૂલ કર્યું કે આ રુદ્રાક્ષની માળા જ મને મારી ફ૨જ-બજવણીમાં બંધનરૂપ બની રહી છે. સાધુજીવનની અસારતા સમજાતાં, ક્રિયાકાંડની નિરર્થકતાનું ભાન થતાં અને ત્યાગની ભાગેડુ વૃત્તિને બદલે જીવન-સંઘર્ષમાં ઝઝૂમવાની વૃત્તિ બળવત્તર બનતાં પોતે પાછો સંસારમાં પ્રવેશ્યો હતો. છતાં હજી આ રુદ્રાક્ષની માળા એને મુક્ત બનવા નહોતી દેતી. માળાનો એકેક મણકો જાણે કે લોખંડી સાંકળના અંકોડા સમો બની રહ્યો હતો.

કીલાની આ અનિશ્ચિત મનોદશા જોઈને વૉટસન સાહેબને નવાઈ લાગી. આવું દૃઢ મનોબળ ધરાવનાર માણસ આ બાબતમાં આટલી બધી દ્વિધા શા માટે અનુભવે છે?… પણ લાંબો વિચાર કરતાં એમને સમજાયું કે ભારતીય જીવનપ્રણાલીમાં ઊછરેલો માણસ એક વેળાના દીક્ષિત જીવનને આટલું મહત્ત્વ આપે એમાં નવાઈ જેવું કશું નથી. એને માત્ર એટલી જ પ્રતીતિ થવી જરૂરી છે, કે અંતરના પ્રામાણિક આદેશ સમક્ષ બીજા સર્વ બાહ્ય આદેશો અને બંધનો તુચ્છ છે.

અને કીલાને એવી સચોટ પ્રતીતિ કરાવવાનું કામ ગોરા સાહેબે

પાંખ વિનાની પારેવડી
૩૫૫