લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાને માથે લઈ લીધું. એક આખો દિવસ એમણે કીલાને વિવિધ ફિલસૂફીનો અને ધર્મદર્શનોનો સાર કહી સંભળાવ્યો. જુદા જુદા સંતોના સૂચક જીવનપ્રસંગો વર્ણવ્યા અને પ્રતિપાદન કર્યું કે આચારધર્મ કરતાં હૃદયધર્મ ચડિયાતો છે.

આખરે કીલાને પ્રતીતિ થઈ કે સ્થૂલ લોકાચા૨ કરતાં હૃદયનો ધર્મ વધારે મહત્ત્વનો છે અને આ પ્રતીતિ થવાની સાથે જ એની આંખ ઉપરનાં પડળો ઊઘડી ગયાં, જીવનનો માર્ગ દીવા જેવો સ્પષ્ટ જણાયો.

હળવાફૂલ હૃદયે એ જૂઠાકાકાને ઘરે જઈ પહોંચ્યો.

કીલો આપેલા વાયદા પ્રમાણે સાચે જ પોતાને આંગણે આવી ઊભશે એ તો આ ડોસાને કલ્પના પણ નહોતી; તેથી જ તેઓ અરધા અરધા થઈને શિરસ્તેદારનો હોદ્દો ધરાવનાર આ અમલદારને આવકારવા ઉંબરા સુધી દોડી ગયા.

‘હમણાં જ શેઠજી આવી ગયા.’ ડોસાએ કહ્યું.

‘શું કામે આવ્યા’તા?’ કીલાએ કરડાકીથી પૂછ્યું.

‘એય હવે તો મૂંઝાણા છે ને, એટલે આમાંથી રસ્તો બતાવવા આવ્યા હતા.’

‘શું રસ્તો બતાવ્યો? શેઠજી પોતે મોંઘીને પરણી જશે?’

ડોસા દર્દભર્યું ખિન્ન હાસ્ય વેરીને બોલ્યા: ‘એ વાતમાં શું માલ છે? એણે તો છોકરીને લઈને લાંબી જાત્રાએ જાવાનું મને કીધું—’

‘ને પછી છોકરું આવે એને ગંગાજીમાં પધરાવી દેવાનું કીધું એ રાક્ષસે?’ કીલાએ વધારે કરડાકીથી પૂછ્યું.

‘ના, ના, એટલું બધું કહેતાં તો એની જીભ ન ઊપડી, પણ કોક ઓળખીતાના અનાથાશ્રમમાં મેલવાની વાત કરતા’તા ખરા.

‘આવી વાતનો વિચાર પણ કરજો મા, કાકા! અવતરનાર મૂંગા જીવે બિચારે શું ગુનો કર્યો છે કે એને અનાથાશ્રમમાં મૂકવો પડે?—

૩૫૬
વેળા વેળાની છાંયડી