ઓતમચંદ માટે આ પરિસ્થિતિ રમૂજ પ્રેરનારી હતી. ઈશ્વરિયેથી દકુભાઈના મારાઓના હાથનો મૂઢ માર ખાઈને પોતે દેવકૃપાએ જીવતો પાછો આવી શક્યો, એ વાતની લાડકોરને ગંધ સુધ્ધાં ન જાય એની ઓતમચંદે તકેદારી રાખી હતી. ઊલટાનું એણે તો વાઘણિયે આવ્યા પછી દકુભાઈની માયામમતાનાં મોંફાટ વખાણ કરીને પત્નીના મનોરાજ્યમાં માજણ્યા ભાઈ માટેનું અત્યંત મધુર ચિત્ર ઊભું કર્યું હતું. ઓતમચંદ જાણતો હતો કે એ ચિત્ર ભ્રામક છે, ઝાંઝવાં જેવું છે. પણ બળબળતે બપોરે, ધગધગતી વેળુમાં વટેમાર્ગુને ઝાંઝવાં પણ જોવાં ગમે છે; મૃગજળની પણ એક મોહિની હોય છે. ઝાંઝવાનાં જળ માણસના તરસ્યા કંઠની તરસ ભલે ન છિપાવે, પણ આંખને તો અવશ્ય ઠારે છે, વાત્સલ્યભૂખી લાડકોર પણ અત્યારે દૂર દૂર ઈશ્વરિયાની સીમમાં દકુભાઈને આંગણે ભ્રામક છતાં નયનમનોહર મૃગજળ જોઈ રહી હતી, તો ભલે ને જોતી! ઓતમચંદ વિચારતો હતો: એ જીવનજળ ભ્રામક છે, એમ કહીને કોઈને ભગ્નાશ કરવાનું પાપ વહોરવું ન ઘટે.
લાડકોરના મનોરાજ્યમાં બાલુના લગ્નોત્સવનો આખો નકશો અંકાઈ ગયો હતો. વ૨૨ાજાનાં ફઈબા તરીકેની પોતાની ફરજબજવણીમાં કેટલા દાગીના, કેવાં કપડાં અને કેટલા રૂપિયા આપવા પડશે, એની વિગતો મનોમન નક્કી કરી લીધી. વળતે વ્યવહારે ભાઈભોજાઈ તરફથી પોતાને કેવાં મોટાં માનપાન અને પહેરામણી મળશે એની કલ્પના કરી લીધી. મામાને ઘેર લાડકા ભાણેજ તરીકે બટુક કેવો મહાલશે એનાં દૃશ્યો પણ એણે આંખમાં સમાવી લીધાં.
‘બટુકની બા, આ દીવીમાં જરાક દિવેલ રેડશો?’
ચોપડા ચીતરતા ઓતમચંદે દીવીમાં એક વધારે વાટ પેટાવતાં કહ્યું.
‘તમારે તે હજી કેટલુંક દિવેલ બાળવું છે?’ લાડકોરે ઊભાં થતાં થતાં કૃત્રિમ રોષથી ટકોર કરી.