‘આખી મોસમનો હિસાબ ચોખ્ખો કરવાનો છે ને!… આવતી અમાસે તો બધા ચોપડા લઈને મારે મંચેરશાની પેઢીએ પહોંચી જાવાનું છે—!’
હવે જ લાડકોરને યાદ આવ્યું કે થોડી વાર પહેલાં પતિએ નરોત્તમનો કાગળ આવ્યો હોવાની વાત કહેલી, પણ પોતે એમાં કશો રસ નહોતો લીધો.
‘નરોત્તમભાઈનો કાગળ આવ્યો છે?’ લાડકોરે જાણે કે ગુનાહિત સ્વરે પૂછ્યું.
ઓતમચંદ ઇરાદાપૂર્વક મૂંગો રહ્યો.
‘શું લખે છે કાગળમાં?’ પત્નીએ ફરી વાર પૂછ્યું.
પતિએ હજી મૌન જ જાળવ્યું. ત્યારે લાડકોરે સંચિત અવાજે કહ્યું: ‘બોલતા કાં નથી?’
‘ત્રણ-ચાર વાર તો બોલી જોયું, પણ તમને સાંભળવાની નવરાશ જ ક્યાં છે?’ ઓતમચંદે કહ્યું, ‘તમારા ભાઈના વિચારમાંથી છૂટા થાવ, તો મારા ભાઈની વાત સાંભળો ને!’
‘અરેરે! હું તો સાવ ભુલકણી, તે ભુલકણી જ રહી!’ પ્રેમાળ હૃદયની પારદર્શકતા દાખવનારું પ્રફુલ્લ હાસ્ય વેરતાં લાડકોરે કહ્યું: ‘દકુભાઈ મને વહાલો છે, ને નરોત્તમભાઈ શું મને દવલો છે! દકુભાઈ માનો જાયો છે, તો નરોત્તમભાઈ પેટના જણ્યા બટુક કરતાંય સવાયો છે… કાગળમાં શું લખે છે, વાંચો જોઈએ!’
‘એક વાર મેં વાંચી સંભળાવ્યું કે નરોત્તમે તમને પગેલાગણ લખાવ્યાં છે, પણ તમે કાંઈ કાનસરો દીધો નહીં એટલે મેં કાગળના જવાબમાં લખી નાખ્યું કે તમારાં ભાભી પગેલાગણ સ્વીકારવા નીના પાડે છે—’
‘હાય! હાય! એવું તે કાંઈ લખાતું હશે? ફાડી નાખો એ જવાબ ને ફરી દાણ મારા આશિષ લખો!’ કહીને લાડકોરે આદેશ આપ્યો: