‘આખો કાગળ સરખાઈથી વાંચી સંભળાવો! મુંબઈથી શું સમાચાર લખે છે?’
‘તમે ઈશ્વરિયેથી આવેલા દકુભાઈના કાગળમાં જ ગૂંચવાઈ ગયાં’તાં એટલે મુંબઈનો કાગળ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી?’ પતિએ ફરીથી ટોણો માર્યો.
‘મારો તો શભાવ જ વીઘાભૂલો, એમાં હું શું કરું?’ કહીને લાડકોરે દીન વદને વિનંતી કરી: ‘હવે ભલા થઈને કાગળ વાંચો. નરોત્તમભાઈના સમાચાર જાણ્યા વિના મને ઊંઘ નહીં આવે—’
ઓતમચંદને લાગ્યું કે સરલહૃદય પત્નીને હવે વધારે પજવવી યોગ્ય નથી, તેથી એણે કહ્યું: ‘સમાચાર તો સંધાય વેપા૨ના છે.’
‘કેવાંક છે, વેપારપાણી?’
‘સારાં, ઘણાં જ સારાં, ઓતમચંદે કહ્યું, ‘આપણી ધારણા કરતાંય વધારે સારાં—’
‘તમારા મોઢામાં સાકર!’ પત્નીએ પરમ સંતોષથી કહ્યું, ‘નરોત્તમભાઈ અહીંથી શહેરમાં ગયા ત્યારે બરોબર શકન પકવીને જ ગ્યા’તા—’
‘શકન તો કોણ જાણે, પણ જાવા ટાણે મેં એને ગળ્યું મોઢું કરાવ્યું’તું ને−’
‘ને દુખણાં લઈને આઠેઆઠ આંગળાંના ટાચકા ફોડ્યા’તા.’
‘બસ એ જ મોટામાં મોટા શકન,’ પતિએ સઘળો જશ પત્નીને આપતાં કહ્યું, ‘તમારી આશિષ વિના આટલા વેપારવણજ થાત જ નહીં.’
‘કેવોક વેપાર થયો છે? સરખી માંડીને વાત તો કરો!’
‘આમાં લખે છે, કે આપણે આખા પંથકનો કપાસ જોખ્યો’તો ને મંચેરશાએ વિલાયત ચડાવ્યો’તો એના તો સોના કરતાંય મોંઘા ભાવ ઊપજ્યા છે—’