લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ગાડી તો આમેય વેપારધંધાને કામેય લેવી પડે એમ છે તો હવે નવીનકોર જ ન લઈએ?’

‘ના, આ જૂની છે, એ જ સોના જેવી છે,’ લાડકોરે સમજાવ્યું ‘એ જ ગાડી ને એ જ વશરામ ગાડીવાન પાછા આવે તો બટુક રાજી થાય.’

જૂની ગાડી માટેના પત્નીના આગ્રહ પાછળ જે માનસિક લાગણી કામ કરી રહી હતી એ સમજતાં ઓતમચંદને વાર ન લાગી. નવી મેડી અને જૂની ગાડી… બંને જડ વસ્તુઓ સાથે એક પ્રકારનો જીવંત નાતો બંધાઈ ચૂક્યો હતો. એ એક પ્રેમસગાઈ હતી. સંજોગોવશાત્‌ એ પ્રેમસગાઈ ખંડિત થઈ હતી, પણ આજે હવે એ પુનઃ સંધાઈ જવાની શક્યતા ઊભી થઈ હતી.

‘નરોત્તમ પોતે જ મેડી ને ગાડી બેય ખંડી લેવાનું આ કાગળમાં લખે જ છે,’ ઓતમચંદે કહ્યું.

‘તો તમે બોલ્યા કેમ નહીં?'

‘જાણી જોઈને કાગળનો એટલો ભાગ મેં નહોતો સંભળાવ્યો. મારે તમારું મન જાણી લેવું’તું—’

‘તે હવે જાણી લીધું ને?’

‘હા. બરોબર—’

આ દંપતી નવપ્રાપ્ત સુખની વાતોમાં એવાં તો રમમાણ થઈ ગયાં કે રાતના કેટલા પ્રહર વીતી ગયા છે એનો એમને પણ ખ્યાલ ન રહ્યો. દીવીની ઝંખવાતી વાટમાં લાડકોરે બીજી વાર દિવેલ પૂર્યું અને ફરી બંને વાતોએ વળગ્યાં. આવી જ એક ઉજાગરાભરી રાત થોડા સમય અગાઉ પણ વીતી હતી… જ્યારે બટુક ભૂખ્ય પેટે ઊંઘી ગયેલો, ને લાડકોરે પતિને ઈશ્વરિયે જવાનું અને દકુભાઈ સમક્ષ યાચના કરવાનું સમજાવવામાં આખી રાત ગાળી હતી. પણ એ ઉજાગરો ઉદ્વેગભર્યો હતો, આજનો ઉજાગરો

૩૬૮
વેળા વેળાની છાંયડી