લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

⁠‘અરે! તમે મુનીમ તો નહીં?—મકનજીભાઈ જ કે બીજા?’

⁠‘છઉં તો મકનજી જ, પણ હવે મુનીમ નથી રિયો,’ ડોસાએ કહ્યું. ‘રસ્તે રખડતો ભિખારી થઈ ગયો છું.’

⁠‘કેમ? કેમ ભલા?’

⁠‘મારાં કરમ. બીજું શું? અહીંનાં કરેલાં અહીંઆં જ ભોગવવાં પડે છે.’

⁠‘પણ થયું શું? સરખી વાત તો કરો!’

⁠‘દકુભાઈએ મને દગો દીધો. મને બાવો કરીને કાઢી મેલ્યો. હવે તો ભભૂત ચોળવાની બાકી છે.’

⁠‘આટલી બધી વાત!—’

⁠‘અરે કાંઈ કીધી જાય એમ નથી. મને તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં!’ કહીને મુનીમે તો જાણે કે કોઈની પ્રાણપોક પાડતા હોય એમ પાટકી ઢબે ઠૂઠવો જ મૂક્યો: ‘દકુભાઈએ મને ભોળાને ભરમાવ્યો.’

⁠ઓતમચંદને જરા હસવું આવ્યું, મનમાં વિચારી રહ્યો: આ નટખટ મુનીમને ભોળો તો કોણ કહી શકે? એ તો પેલી કહેવતની જેમ, ગોળી ભૂલીને ગોળો ઉપાડી આવે એવો ભોળો છે!

⁠‘જરાક સમતા રાખો, મુનીમજી! આમ રાંડીરાંડની જેમ રોવા બેસો એ આ ઉંમરે શોભે?’ ઓતમચંદે કહ્યું.

⁠‘હું તો હવે રાંડીરાંડ કરતાંય નપાવટ થઈ ગયો… દકુભાઈએ તો મને નાળિયેરની કાચલી પકડાવીને ભીખ માગતો ક૨ી મેલ્યો—’

⁠‘ભગવાન કોઈ પાસે ભીખ ન મગાવે!’ ઓતમચંદે દુઆ ગુજારી.

⁠‘ભગવાન ભલે ન મગાવે. પણ દકુભાઈએ મારી પાસે ભીખ મગાવી,’ મુનીમ હજી રડમસ અવાજે બોલતા હતા. ‘પોતે તો ડૂબ્યા, પણ ભેગો આ ગરીબ માણસને પણ ડુબાડ્યો.’

⁠‘કોણ ડૂબ્યા?’ ઓતમચંદે ચિંતાતુર પૂછ્યું, ‘દકુભાઈ ડૂબ્યા?’

⁠‘જરાતરા નહીં, ગળાબૂડ.’

કોથળીનો ચોર કોણ?
૩૭૧