તો જાણે કે અવાક થઈને કીલા સામે જોઈ જ રહ્યા. એમને લાગ્યું કે કીલાના આ નિર્ણયમાં જરૂ૨ કશુંક રહસ્ય છે.
વિચિત્રતા એ બની કે પોતાના એકરંગી જીવનની એકધારી મજલમાં હવે નવી પગદંડી પર પ્રસ્થાન કરી રહેલો કીલો સંપૂર્ણપણે સ્વસ્થ હતો, ત્યારે એ સમાચાર સાંભળનાર મંચેરશા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.
કદાચ પોતાના જિગરજાન મિત્રની આ અસ્વસ્થતા પારખી જઈને કીલાએ બધો ઘટસ્ફોટ કર્યો. મોંઘીની વિષમ પરિસ્થિતિની વિગત આપી. જૂઠાકાકાની સંકડામણ સમજાવી, અને એક માસૂમ માતૃત્વ નિષ્કલંક રાખવા પોતે લીધેલા નિર્ણયનું વાજબીપણું પ્રતીતિકર રીતે રજુ કર્યું, ત્યારે મંચેરશાની અસ્વસ્થતા ઓછી થઈ—બલ્કે એમને સંતોષ થયો.
આજ સુધી નરોત્તમના હ્રદયમાં કીલા માટે અસાધારણ અહોભાવ હતો. આજ સુધીમાં એણે આ સાથીદારને જુદા જુદા સ્વરૂપમાં નિહાળ્યો હતો. એના જીવનનાં ઘણાં પાસાંનો એને પરચો થઈ ચૂક્યો હતો, પણ આજે એનો જે પરિચય થવા પામ્યો એ અભૂતપૂર્વ હતો. બાહ્ય સ્વરૂપે રૂક્ષ, રમતિયાળ, રંગીભંગી જેવો જણાતો આ માણસ આટલો બધો મૃદુ, ધીરગંભીર અને ધીટ છે, એવી તો નરોત્તમને કલ્પના પણ નહોતી. કોને ખ્યાલ હતો કે કટુભાષી કીલાનું હૃદયઝરણું આટલું મિષ્ટ હશે? કોને ખબર હતી કે એના જીવનના ઉપરટપકે દેખાતા કઠણ કાળજામાં માનવપ્રેમનાં આવાં મીઠાં મીંજ ઝરણાં ભર્યાં હશે? અને તેથી જ કીલાનું આ અજાણ્યું જીવનપાસું જોયા પછી નરોત્તમનો એના પ્રત્યેનો અહોભાવ હવે પૂજ્યભાવમાં પલટાઈ ગયો. આ પૂજ્યભાવ એટલો તો હૃદયગત હતો, આત્મલક્ષી હતો કે નરોત્તમ એને શબ્દો દ્વારા વાચા આપી ન શક્યો. માત્ર અંતરથી જ આ પૂજ્ય વ્યક્તિને એ પ્રણિપાત કરતો રહ્યો.