મંચે૨શાનું અંતરવહેણ પણ આ જ દિશામાં વહી રહ્યું હતું. એ જ૨થોસ્તી જીવ તો હર્ષોલ્લાસથી ગળગળા થઈ ગયા હતા. આખરે નરોત્તમ જે હૃદયભાવ વ્યક્ત નહોતો કરી શક્યો એને મંચેરશાએ વાચા આપી. કીલાને વહાલપૂર્વક ભેટી પડતાં એમણે કહ્યું:
‘કીલા, દોસ્ત, તું ખોદાયજીનો મનીસ છે, ખોદાયજીનો—’
નરોત્તમે આ અભિપ્રાયમાં મૂક સંમતિ આપી. કીલો વિનમ્રભાવે નીચું જોઈ રહ્યો.
બીજે દિવસે સ્ટેશનનાં પગથિયાં પાસે બે ઘોડાવાળી ચકચકતી ફેટન આવીને ઊભી રહી. ગાડી થોભાવતાં પહેલાં કોચમૅન મારગમાંથી એકબે ભિખારીઓને બાજુ પર હઠાવવા પગ દાબીને ટણણણ કરતી મધુર ઘંટડી વગાડેલી એનો અવાજ સાંભળીને પ્લૅટફૉર્મના બાંકડા પર ઊંઘતો એજન્સીનો પોલીસ બેબાકળો જાગી ઊઠ્યો. ગણવેશ સમોનમો કરીને એ ઊભો થયો અને જોયું તો ગાડીના આગલા ભાગમાં સરકારી પોશાક પહેરેલ કોચમૅન દેખાયો તેથી એ બમણો ગભરાયો. અત્યારે ટ્રેનનો ટાઇમ નથી છતાં કોઠીમાંથી કયા અમલદાર આવ્યા હશે, શું કામે આવ્યા હશે, એમ એ વિચારતો હતો ત્યાં જ ગાડીનું બારણું ઊઘડ્યું, અને એમાંથી નખશિખ અમલદારી પોશાકમાં સજ્જ થયેલો કીલો ઊતર્યો.
સ્ટેશનનાં પગથિયાં ચડીને કીલો સીધો પ્લૅટફૉર્મ પર ગયો અને રમકડાંની રેંકડી ૫૨ સૂતેલા દાવલશાને ઢંઢોળવા લાગ્યો: ‘ઊઠો, સાંઈ, ઊઠો ! આમ ધોળે દિવસે ઊંઘતા રહેશો તો રેંકડીનું ઉઠમણું થઈ જાશે.’
ફકીરે જાગ્યા પછી ફરી પડખું ફરીને ઊંઘવા માંડ્યું ત્યારે કીલાએ કહ્યું: ‘લ્યો આ ચલમ. બેચાર સટ ખેંચી લ્યો, એટલે ઊંઘ ઊડી જાશે—’