લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

⁠દાવલશાને પરાણે જાગ્રત કર્યા પછી કીલાએ પૂછ્યું: ‘ક્યાં ગયો ભગલો ગાંડો?’

⁠હજી ફકીરને બોલવાના હોશ નહોતા તેથી તેણે આંગળી ચીંધીને દૂરના એક બાંકડા ઉપર પછેડીની સોડ તાણીને સૂતેલી વ્યક્તિ બતાવી, એટલે કીલાએ ત્યાં જઈને એની પછેડી ખેંચી લીધી. બોલ્યો:

⁠‘ઊઠ એય કુંભકરણ! બેઠો થા ઝટ, નીક૨ બે લાફા પડશે—’ પોતાના બંને જૂના સ્વજનોને સાબદા કરીને કીલાએ હુકમ કર્યો: ‘ચાલો, બેસી જાવ ગાડીમાં—’

⁠‘ક્યાં લઈ જાવ છો?’ દાવલશાએ પૂછ્યું, ફકી૨ને હંમેશાં બીક રહ્યા કરતી કે મને કોઈ પોલીસ પકડી જશે.

⁠‘ચોકી ઉપર નથી લઈ જાતો,’ કીલાએ કહ્યું, ‘મારાં લગ્નમાં લઈ જાઉં છું—’

⁠દાવલશાએ ગભરાઈને પૂછ્યું: ‘તમારાં લગનમાં?’

⁠‘મારાં નહીં તો શું તમારાં લગનમાં?’ કહીને કીલાએ બંને સાથીદારોને પરાણે ગાડીમાં ઘુસાડ્યા અને એમની વચમાં પોતે બેઠો પછી કોચમૅનને હુકમ આપ્યો: ‘મંચે૨શાને બંગલે.’

⁠રસ્તામાં દાવલશાના ઓલિયા જીવથી પૂછ્યા વિના ન રહેવાયું ‘કીલાભાઈ, આ શાદી કરવાનું તમને ક્યાં સૂઝ્યું!’

⁠‘સંજોગે સુઝાડ્યું, સાંઈ!’ કહીને કીલો મૂંગો થઈ ગયો.

⁠મંચે૨શાને બદલે લગ્ન-સમારંભમાં ગામનાં મહાજન સાથે કીલાના આમંત્રિતોમાં આ બે જૂના સાથીદારો ઉપરાંત માત્ર પોલિટિકલ એજન્ટ અને એમનાં પત્ની જ હતાં. મેમ સાહેબે કીલાના પૂર્વજીવનની રજેરજ વિગત જાણી લીધેલી, અને એ જીવનસૃષ્ટિમાં પોતે કલાકારની જેમ રસ લેતાં હતાં, તેથી રેલવે સ્ટેશન પરના કીલાના આ બે વિલક્ષણ જોડીદારોને તેઓ વિશેષ રસપૂર્વક અવલોકી રહ્યાં.

⁠ખુદ મહાજનના મોવડીઓને આજનો વિચિત્ર શંભુમેળો જોઈ

૩૮૬
વેળા વેળાની છાંયડી