લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અચરજ થયું હતું. એક બાજુ મંચેરશા અને પરભુલાલ શેઠ, બીજી બાજુ વૃદ્ધ જૂઠાકાકા અને એમનાં આપ્તજનો, ત્રીજી બાજુ ફકીર દાવલશા અને ભગલો ગાંડો. ચોથી બાજુ ગોરા લાટસાહેબ અને એમનાં પત્ની. એમની વચ્ચે હરફર કરતા કીલાનું વિલક્ષણ વ્યક્તિત્વ જોઈને મહાજનના શેઠિયાઓ માંહોમાંહે કાનસૂરિયાં કરીને સુગલ અનુભવતા હતા પણ સત્તા આગળ શાણપણ નકામું, એ ન્યાયે સત્તાધારી શિરસ્તેદારની શેહમાં દબાઈને કશી ટીકા કરી શકતા નહોતા.

લગ્નવિધિ શરૂ થતાં પહેલાં મંચેરશાને અને નરોત્તમને બોલાવીને કીલો અંદરના ઓરડામાં ગયો અને મૂંગા મૂંગા બારણું વાસી દીધું.

નરોત્તમ તો કીલાભાઈ હવે શું કરવા માગે છે એનાં અનુમાનો કરતો કુતૂહલપૂર્વક બધું જોઈ રહ્યો. બારણું વાસીને કીલાને શી મસલત કરવાની હશે એનો મંચેરશાને પણ ખ્યાલ ન આવી શક્યો.

કીલાની મુખમુદ્રા ગંભીર હતી. એણે ધીમે રહીને બાલાબંધી અંગરખાની કસ એક પછી એક છોડવા માંડી તેથી નરોત્તમનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું.

કીલાએ સાવ સાહજિક રીતે ડિલ ઉ૫૨થી અંગરખું ઉતારી નાખ્યું.

ઉઘાડી માંસલ ડોકમાં મોટા મોટા રુદ્રાક્ષની મણકાવાળી એક માળા શોભી રહી.

‘જુવો મંચેરશા, સાંભળ મોટા, બદરી-કેદારના સ્વામીજીએ મને સાધુજીવનની દીક્ષા આપેલી એની આ માળા છે,’ કીલાએ કહ્યું, ‘હું સાધુ તો ક્યારનો મટી ગયો’તો; મઠમાંથી ભાગી છૂટીને પાછો આપણી દુનિયામાં આવતો રહ્યો’તો, પણ સાધુજીવનની માયા સાવ નહોતી. છૂટી, એટલે જ અંગરખાની આડશમાં આ માળા પહેરી રાખેલી—’

મંચેરશા અને નરોત્તમ માળાના મણકા ત૨ફ ટગર ટગર તાકી રહ્યા.

બંધમોચન
૩૮૭