‘દેખાશે એની મેળે… ક્યાંક આઘોપાછો ગયો હશે, જરાક—’ લાડકોરે મર્મવાણી ઉચ્ચારી અને ફરી એ જ મીઠાશભર્યો અવાજે આદેશ આપ્યો: ‘હવે પૂજા ટાણે બહુ બોલ બોલ કરો મા, ને ગોર મા’રાજ કહે તેમ કરતા જાઓ.’
પ્રેમાળ પત્નીની આ આજ્ઞાને આધીન થયા વિના ઓતમચંદને હવે છૂટકો જ નહોતો. એ મૂંગો તો થઈ જ ગયો-બોલ બોલ બંધ કરી દીધી. પણ એનું ચિત્ત અસ્વસ્થ થઈ ગયું. દકુભાઈની ભેદી ગેરહાજરીએ ઓતમચંદના મનમાં અનેકાનેક આશંકાઓ ઉત્પન્ન કરી.
વાસ્તુવિધિ આગળ વધતો ગયો અને જેમ જેમ શંભુ ગોરને મોઢેથી ‘સમર્પયામિ’ના સૂત્રોચ્ચાર વધતા ગયા તેમ તેમ ઓતમચંદના મનમાં આ આશંકાઓ વધારે ને વધારે પ્રબળ બનતી ગઈ. પણ પડખે બેઠેલી પ્રેમાળ પત્નીએ આપેલો મૌન જાળવવાનો આદેશ એવો તો અસરકારક નીવડેલો કે લાડકોરની આજ્ઞા કદાપિ ન ઉથાપનાર ઓતમચંદ અત્યારે પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યો નહીં.
પૂજનવિધિ પૂરો થયો અને ગોર મા’રાજે ઊભા થવાની છૂટ આપી કે તરત જ ઓતમચંદે હાક મારી: ‘બાલુ !’
પણ બાલુએ ક્યાંયથી હોંકારો ન દીધો. ફરી ઓતમચંદે હાક મારી અને આજુબાજુ ઊભેલા માણસોને પૂછ્યું: ‘બાલુ ક્યાં ગયો ?’
‘હમણાં ઘર ઢાળો જાતો જોયો,’ એક ખેડૂતના છોકરાએ કહ્યું.
ઓતમચંદનો વિચાર દકુભાઈને બોલાવવા માટે બાલુને દોડાવવાનો હતો, પણ બાલુ પોતે પણ ઘેર ગયો છે એમ જણાતાં તરત એમણે એક કણબીને કહ્યું: ‘ટપૂ, જા ઝટ, ઘેર જઈને દકુભાઈને તેડી આવ.’
દકુભાઈની હાજરી માટેનો પતિનો આ વધારે પડતો ઉત્સાહ જોઈને લાડકોર મનમાં જરા ખિજાતી હતી, પણ કશું બોલી શકતી નહોતી. વળી, એ એક પ્રકારની મૂંઝવણ પણ અનુભવી રહી હતી. દકુભાઈ અત્યારે શા માટે ગેરહાજર છે એનું કારણ લાડકોર તો