સહુને વહેમ હતો કે માણસની ચાલચલગત સારી નથી.’
‘એ વહેમ હવે સાચો પડ્યો! જૂઠાડોસાની ભોળી છોકરીને ભરમાવી!’
‘ને પછી નછૂટકે લગન કરી નાખીને બધુંય ભીનું સંકેલી લીધું—’
આમ, લોકવાયકાએ પાકું કલંક કીલા ઉ૫૨ ઓઢાડી દીધું.
‘ભલે ગોરા સાહેબનો શિરસ્તેદાર થયો. પણ અંતે તો રમકડાંની રેંકડી ફેરવનારો જ, કે બીજો કોઈ? માણસનું પોત પરખાણા વિના રહે ખરું?’
‘હળાહળ કળજગ આવ્યો છે, ભાઈ! ધરતી ઉપર આવાં પાપ થતાં હોય, પછી વરસાદ તો શેનો આવે?’
આમ ધીમે ધીમે કીલાના ‘કુકર્મ’ને કુદરત સાથે પણ સાંકળી દેવાયું.
‘બહુ કરી, કીલાએ તો સાંભળતાંય કાનમાંથી કીડા ખરી જાય એવું કામ કર્યું છે!’
‘મંચેરશાના બંગલામાં બંધ બારણે છાનાંમાનાં લગન પતાવી નાખ્યાં. પણ પાપ તો પીપળે ચડીને પોકાર્યા વિના રહે?’
આ બધા પ્રહારો તો કીલાની ગેરહાજરીમાં જ થતા હતા. એની હાજરીમાં તો પ્રશંસાનાં પુષ્પો જ વેરાતાં હતાં. ઘણા શાણા માણસો તો સામે ચાલીને કીલાને મુબારકબાદી આપી આવ્યા. કેટલાક ગણતરીબાજ લોકો તો વળી ભેટસોગાદ પણ આપી આવ્યા.
કીલાના આવા મુલાકાતીઓમાં એક દેવળિયાના દરબાર સર અજિતસિંહજી પણ હતા. એક દિવસ કીલો મોડી સાંજે કોઠી પર પહોંચ્યો ત્યારે એના આંગણામાં સાફો-સુરવાલ-અચકન પહેરેલ એક માણસ રાહ જોતો બેઠો હતો. આંગણે આટલા અસુરા કયા દરબાર આવીને બેઠા હશે એની કલ્પના કરતો કરતો કીલો નજીક પહોંચ્યો અને બેચાર ડગલાં દૂરથી ઓળખાણ પડતાં જ પોકારી ઊઠ્યો: