લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઓહોહો અજુભા!—અરે! બાપુ અજિતસિંહ!’

‘મને વળી બાપુ ને સિંહજી કહેવાતું હશે, કીલાભાઈ!’ દ૨બારે ઊભા થઈને ભેટી પડતાં કહ્યું, ‘હું તો આપણા બાળપણનો અજુડો!’

‘બાળપણની વાત બાળપણ ભેગી ગઈ, હવે તો તમે સર અજિતસિંહજી; કે. સી. આઈ. ઈ. કહેવાવ છો!’ કીલાએ મજાકમાં કહ્યું: ‘તમારી પછવાડે તો ઇંગરેજ સરકારે આખી એ-બી-સી-ડી જોતરી દીધી છે!’

‘આ ઇલકાબ તો ગળામાં ઘંટીના પડ જેવા થઈ પડ્યા છે!’ દરબારે દિલની વાત કહી દીધી.

અજિતસિંહે ઉચ્ચારેલ આ એક જ ઉક્તિ ઉપરથી કીલાને એમના આગમનનું રહસ્ય સમજાઈ ગયું. કોઠીની કચેરીમાં આ દરબાર વિશેનું જે અત્યંત ખાનગી દફતર કીલાએ જોયેલું, એમાંના જે ગુપ્ત દસ્તાવેજો વાંચેલા, એ ઉપરથી કીલાને ખ્યાલ તો હતો જ કે અજુભા બિચારા જીવ સાંકડા ભોણમાં આવી ગયા છે. પણ એ સાંકડા ભોણમાંથી નીકળવા માટે તેઓ આટલી ત્વરાએ જૂના બાલસાથીનું શરણું શોધશે, તેવું કીલાએ નહોતું કલ્પ્યું.

‘આપણે તો નાનપણના ભાઈબંધ.’ અજિતસિંહે ધીમે ધીમે કીલા સાથે નિકટતા કેળવવા માંડી, ‘મારા બાપુ ને તમારા બાપુને તો ઘર જેવો નાતો—’

‘સાચું, સાચું,’ કીલાએ સૂર પુરાવ્યો. એના હોઠ ઉપર તો શબ્દો આવી ગયેલા કે એ નાતાને લીધે જ તો તમારા બાપુએ બૅરિસ્ટર સાહેબને ઝેર આપીને મારી નાખેલા, અમારા ઘર ઉપ૨ જપ્તી બેસાડેલી.

પણ કીલો પરાણે મૂંગો રહ્યો.

‘તમે તો બહુ કરી કીલાભાઈ!’ અજુભા બોલ્યા, ‘છાનાં છાનાં લગન કરી નાખ્યાં, ને આ જૂના ભાઈબંધને નોતરવો જ ભૂલી

બાપનો વેરી
૩૯૧