લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ગઢની મેડીએ અફીણનો ગાંગડો તૈયાર રાખ્યો છે—’

‘ગાંડી વાત કરો મા, અજુભા!’

‘બીજું શું કરું? મારે તો ઘ૨નાં જ ઘાતકી પાક્યાં એમાં કરમનો વાંક શું કાઢવો?’ દરબાર રડમસ અવાજે બોલ્યા, ‘કીલાભાઈ, આ ભાઈબંધને જિવાડવો કે મારવો, એ તમારા હાથમાં છે.’

‘ભગવાનના હાથમાં કહો, ભાઈ! ઉપરવાળા સિવાય બીજું કોઈ આપણને જિવાડતું નથી, ઉપરવાળા સિવાય બીજું કોઈ આપણી જિંદગી ટૂંકાવી શકતું નથી. ભગવાન ઉપર ભરોસો રાખો, ભાઈ!’

‘રાખવા જાઉં છું, તોય નથી રહેતો. ચારેય કોરથી ઘેરાઈ ગયો છું. આમાંથી તમે છોડાવો તો જ છૂટી શકે એમ છું—’

‘હું! હું તો એક મામૂલી માણસ—’

‘પણ ગોરા સાહેબના શિરસ્તેદાર!’ અજિતસિંહ યાચક આવાજે બોલ્યા, ‘સાહેબને કાને વેણ નાખો ને સાહેબના દિલમાં દયા આવે તો મારો બગડેલો ભવ સુધરી જાય એમ છે—’

સાંભળીને કીલો મૂંગો રહ્યો એટલે અજુભા આગળ વધ્યા; ‘કીલાભાઈ, આટલું કામ કરો. તમારા હાથની જ વાત છે... જિંદગી આખી તમારો ગણ નહીં ભૂલું.’

‘આ તો બધા મોટા સરકારી મામલા કહેવાય, દરબાર!’ કીલો બોલ્યો. ‘એમાં માથું મારવાનું મારું ગજું નહીં—’

‘તમારા એક વેણથી મારી વિપદ ટળી જાય એમ છે. સાહેબને સમજાવો તો ભવ સુધરી જાય એમ છે—’

‘હું વિચાર કરી જોઈશ,’ કીલાએ આશ્વાસન આપીને થોડી વારે અજિતસિંહને વિદાય કર્યો.

અને સાચે જ, કીલાએ આ નાજુક બાબત ઉપર બહુ વિચાર કરી જોયો. અજિતસિંહનું ચિત્ર જુદે જુદે સ્વરૂપે આંખ આગળ રજૂ થવા લાગ્યું. બાળપણનો ગોઠિયો અજુભા, પિતાને ઝેર આપીને મારી

૩૯૪
વેળા વેળાની છાંયડી