પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘોડાની ડોકમાંની ઘૂઘરમાળ ગાજી ઊઠી.

અને જાણે કે ઘોડાના ડાબલા અને ઘૂઘરાના રણકાર સાથે તાલ મેળવવા જ બટુકે પાવાનો સૂર છેડ્યો.

પિતૃગૃહે જતી અને હરખથી અરધી અરધી થઈ રહેલી લાડકોરે બટુકને પૂછ્યું:

‘આપણે કોને ઘેર જઈએ ?’

‘મામાને ઘે૨.’

‘કેનાં લગનમાં?’

‘બાલુભાઈનાં—’

‘આ પાવો કોણે મોકલ્યો’તો તને?’

‘બાલુભાઈએ—’

બટુકે ટપોટપ અનુકૂળ ઉત્તરો આપી દીધા તેથી લાડકોરને પરમ સંતોષ થયો. ઈશ્વરિયાના પસાયતાઓના હાથનો મરણતોલ માર ખાઈને ઓતમચંદ મેંગણી જઈ પહોંચેલો અને ત્યાંથી હીરબાઈ આહીરાણી પાસેથી બીજલનો જે પાવો બટુક માટે લેતો આવેલો એ ‘મામાએ મોકલાવ્યો’ એવો જ ખ્યાલ આજ સુધી પ્રચલિત રહેલો. બટુક માટેનું આ રમકડું બાલુએ નહીં પણ બીજલે મોકલાવેલું છે એની ગંધ સુધ્ધાં ઓતમચંદે આવવા નહોતી દીધી. અને તેથી જ તો દકુભાઈ, સમરથ અને બાલુ માટે હૃદયમાં અધિકાધિક ભાવ લઈને લાડકો૨ ઉમંગભરી ઈશ્વરિયે જઈ રહી હતી ને?

વાઘણિયાની સીમ છોડીને ગાડીએ વગડાનો કેડો લીધો. ઘોડાના ડાબલા, ઘૂઘરાના રણકાર, પાવાનો સૂર અને ઊઘડતા પરોઢની અણબોટી તાજગીથી પ્રેરાઈને વીતરાગી જેવા વશરામે હલકભે૨ ભજનનાં વેણ ઉપાડ્યાં હતાં:

ખૂંદી તો ખમે માતા પ્રથમી
ને વાઢી તો ખમે વનરાય...

ઊનાં ઊનાં આંસુ
૩૯૯