થતો: પોતે આ જ ગાડીમાં નરોત્તમની બાજુમાં બેઠેલો, સામી બેઠક ૫૨ મેંગણીનાં મહેમાનો બેઠાં હતાં, એવામાં પોતે એક પક્ષી જોયું અને નરોત્તમને પૂછેલું: ‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું એને શું કહેવાય?’ બટુકને કમનસીબે એ ઘડીએ કાકા અન્યમનસ્ક હતા તેથી કશો ઉત્તર ન મળેલો. કિશોરે ફરી ફરીને એ જ પ્રશ્ન પૂછ્યા કરેલો, પણ નરોત્તમ તો પોતાની જ હૃદયકુંજમાંથી ઊઠતો કુહૂકુહૂ રવ સાંભળવામાં એટલો રમમાણ હતો કે ભત્રીજાને ઉત્તર આપવાનો એને અવકાશ જ નહોતો. આખરે, વારંવાર પુછાતા ‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું એને શું કે’વાય?’ પ્રશ્નનો ઉત્તર નરોત્તમને બદલે એક યુવતીએ આપી દીધેલો: ‘એનું નામ કોયલ.’ પોતાના બાલિશ પ્રશ્નનો પણ આટલા સમભાવ અને સ્નેહથી ઉત્તર આપનાર એ અજાણી યુવતી સાથે આ બાળકને આટલા ટૂંકા સહવાસમાં પણ સ્નેહગાંઠ બંધાઈ ગયેલી. પણ અદેખી વિધાતાએ સ્નેહસંબંધ જાણે કે સદાયને માટે તોડી નાખેલો. આ અણસમજુ કિશોર એ પ્રસંગ હજી ભૂલ્યો નહોતો. અને અત્યારે આ વ્યક્તિઓની ગેરહાજરી અજાણપણે પણ એ અનુભવતો હતો ખરો.
બટુકને જે અનુભવ અજાણપણે થતો હતો એ લાડકોરને આજ સુધી સભાનપણે સતાવી રહ્યો હતો. પણ અત્યારે તો એનામાં સ્ત્રીસુલભ ઉત્સવપ્રિયતા એટલી વધી ગઈ હતી કે એના ચિત્તમાં ઈશ્વરિયું, દકુભાઈ અને બાલુ સિવાય બીજો કોઈ વિચાર પ્રવેશી શકે એમ જ નહોતો.
બટુક પોતાનાં આપ્તજન સમાં પક્ષીઓ સાથે ગેલ કરતો હતો. લાડકોર આગામી લગ્નોત્સવની યોજનાઓ ગોઠવતી હતી. વશરામ પોતાનાં પ્રિય ગીતો લલકારતો હતો. ને પાણીપંથો ઘોડો કાચા ધૂળિયા મારગ ઉપ૨ ધૂળના ગોટેગોટા ચડાવતો ને માથોડું માથોડું ઊંચી ખેપટ ઉડાડતો ઝડપભેર પંથ કાપતો હતો.