લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘લ્યો, આ ઈશ્વરિયાની સીમનાં ઝાડવાં દેખાણાં!’ વશરામે જાહેર કર્યું ત્યારે જ લાડકોર પોતાનાં દિવાસ્વપ્નોમાંથી જાગી, ને બોલી:

‘બટુક, મામાનું ગામ આવી ગયું.’

પણ પાકા બે પ્રહ૨ સુધી નિસર્ગ વચ્ચે પ્રવાસ કરીને કુદરત-પ્રાણી-પક્ષીસૃષ્ટિ સાથે તદ્રુપ થઈ ગયેલા આ કિશોરને હવે મામાના ગામમાં બહુ રસ રહ્યો હોય એમ લાગ્યું નહીં.

‘આ ઈશ્વરિયાનું પાદર!’ વશરામે બીજી જાહેરાત કરી.

અને પલક વા૨માં તો દકુભાઈની ડેલીને બારણે ગાડી ઊભી રહી.

લાડકોર હોંશે હોંશે ભાઈભાભી અને ભત્રીજા સાથે વાતો કરતી હતી અને દકુભાઈનું અપરાધી હૃદય વધારે ક્ષોભ અનુભવતું હતું.

‘બટુક, મામાએ મોકલ્યો’તો એ પાવો વગાડ્ય, દીકરા!’

લાડકોરનું આ વાક્ય સાંભળીને ઘ૨નાં માણસો વિચારમાં પડી ગયાં.

માતાએ આપેલા આદેશ અનુસાર બટુકે સાચે જ પાવો વગાડ્યો ત્યારે તો દકુભાઈની વિમાસણનો પાર ન રહ્યો.

‘આ પાવો કોણે મોકલ્યો’તો, બટુક?’ લાડકોરે પૂછ્યું.

બટુકે કહ્યું: ‘બાલુભાઈએ—’

સંક્ષુબ્ધ દકુભાઈ બાલુ સામે જોઈ રહ્યો. ગૂંચવાયેલો બાલુ સમરથ ત૨ફ તાકી રહ્યો અને શરમિંદી સમરથ મૂંગી મૂંગી જમીન ખોતરી રહી. સહુનાં મનમાં સવાલ સળવળી રહ્યો: ‘કોણે મોકલ્યો’તો આ પાવો? ક્યારે મોકલ્યો’તો આ પાવો? કોની સમજફેર થાય છે?’

બટુક ભોળે ભાવે પાવો વગાડતો રહ્યો અને બાળક કરતાંય અદકેરી ભોળી લાડકોર પોતાના ભાઈભાભીનાં ગુણગાન ગાતી રહી.

લગનને આગલે દિવસે દકુભાઈને આંગણે મોટો જમણવાર યોજાયો હતો. ફળિયામાં મોટા મોટા ચૂલા ઉપર દેગ ચડી હતી.

૪૦૨
વેળા વેળાની છાંયડી