ઓસરીમાં લાડકોર બેઠી બેઠી સમરથ પાસે માથું ઓળાવતી હતી. નણંદની પાછળ નાનકડી માંચી ઉપર બેઠેલી ભોજાઈ લાડકોરના માથામાં ધૂપેલ ચાંપીને કાંસકી ફેરવતી હતી.
હોંશીલાં ફૈબાએ બાલુના લગનના જમણવાર માટે મોટી મોટી તૈયારીઓ કરેલી. એક ચૂલા ઉપર કંદોઈ વડી-પાપડ તળી રહ્યો હતો અને એ માટે લાડકોરની બાજુમાંનો ઓસરીમાંનો તેલનો ખાણિયો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
કંદોઈ તપેલાં ભરી ભરીને ખાણિયામાંથી તેલ ઉલેચતો જતો હતો.
લાડકોર પોતાની ભોજાઈ સાથે સુખદુઃખની વાતો કરી રહી હતી. અત્યારે એ વઢકણી સમ૨થનો આખો ભૂતકાળ ભૂલી ગઈ હતી. પોતાને ઘેરે વાસ્તુ પ્રસંગે ભોજાઈએ મોહનમાળા જેવી મામૂલી વાતમાંથી જે મહામોટી રામાયણ ઊભી કરી હતી અને રંગમાં ભંગ પાડ્યો હતો એ પ્રસંગ પણ આજના શુભ પ્રસંગે આ સહિષ્ણુ સ્ત્રી વીસરી ગઈ હતી.
એવામાં ઓસરીનો તેલનો ખાણિયો ઉલેચાતો ઉલેચાતો છેક તળિયા સુધી ખાલી થઈ ગયો અને કંદોઈએ હજી એક વધારે તપેલું ભરવા માટે ખાણિયામાં છેક ઊંડાણમાં હાથ નાખ્યો ત્યારે તપેલું જાણે કે કશીક ભારેછલ્લ વસ્તુ સાથે ભટકાતું લાગ્યું.
‘આ ખાણિયામાં પાણો પડ્યો છે કે શું?’ એમ બોલતાં બોલતાં કંદોઈએ પોતાનો આખો હાથ અંદર ઉતારીને પેલી ભારેખમ ચીજ બહાર ખેંચી કાઢી.
તેલથી ૨સબસ થયેલી પાણકોરાની આ કોથળી તરફ લાડકોર કુતૂહલપૂર્વક તાકી રહી, સમરથ સંશય અને શંકાપૂર્વક.
કંદોઈએ એ કાળીમેશ કોથળી જોરપૂર્વક ખાણિયાની કો૨ ઉ૫૨ પડતી મૂકી એટલે ચોખ્ખી ચાંદીના મુંબઈગરા રૂપિયાનો પરિચિત અવાજ રણકી ઊઠ્યો.