આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘ઓહોહો ભાભી! મારો દકુભાઈ ભાર્યે મોટો નાણાંવાળો છે ને શું!’ માથું ઓળાવતી લાડકોરે પાછળ જોયા વિના જ સમરથની મજાક કરી, ‘તમા૨ા તો તેલના ખાણિયામાંથીય રૂપિયાની કોથળિયું નીકળે છે ને શું!’
પણ ભોજાઈ ત૨ફથી આ મશ્કરીનો કશો ઉત્ત૨ જ ન મળ્યો, એટલે લાડકોરે મજાક ચાલુ રાખી:
‘તમારે તો સંજવારીમાંથીય સાચાં મોતી નીકળે એવી સાહ્યબી લાગે છે! તેલના ખાણિયામાંથીય આટઆટલા રૂપિયા નીકળે છે તો પછી પટારામાં તો શું નહીં ભર્યું હોય!’
આ વખતે તો ભોજાઈ ત૨ફથી કશોક ઉત્તર મળશે જ એવી નણંદને અપેક્ષા હતી પણ સમ૨થને મોઢેથી કોઈ વેણ સાંભળવાને બદલે એની આંખમાંથી ખરેલાં ઊનાં ઊનાં આંસુ લાડકોરના હાથ ઉપર ટપક્યાં ત્યારે એ ચમકી ઊઠી. વાળમાં ક૨તી કાંસકી અટકાવીને પડી ગયેલી સરસ સેંથી વીંખાઈ જવાની ૫૨વા કર્યા વિના એણે ડોકું ફેરવીને પછવાડે જોયું તો સમ૨થનું મોઢું કાળુંધબ્બ થઈ ગયેલું દેખાયું.
✽
૪૦૪
વેળા વેળાની છાંયડી