પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગયા એની કોઈને ખબર પડી નહીં... કોઈને ખબર પડી નહીં,’ સમરથે ઘટનાના તાણાવાણા મેળવવા માંડ્યા. એવામાં બાલુ બજારમાંથી રૂપિયા રોકડા કરાવીને કોથળી લઈને આવી પૂગ્યો. ને આવ્યો એ ભેગો જ પાછો બ્રાહ્મણને બરકવા ઉતાવળો પાછો ગયો, એટલે આ કોથળી આ ખાણિયાની કોર ઉપર મેલતો ગયો—’

‘પણ કોર ઉપરથી ખાણિયાની અંદર કોણે નાખી દીધી?’

‘મેં કીધું નહીં, કોઈએ અંદર નહોતી નાખી.’

‘તો ખાણિયામાં આ કોથળી વિયાણી કે શું?’ સમરથના અંતરમાં ઘૂંટાતી વેદના સમજનારી લાડકોરે મજાક કરી, ‘આવા ખાણિયા તો બાઈ, નસીબદારને ઘેર જ હોય—’

‘નસીબદા૨ને ઘે૨ નહીં, નસીબના ફૂટેલને ઘેરે હોય, એમ કહો.’

‘ફૂટેલ નસીબ શું કામે બોલવું પડે ભલા?’

‘તમે સાચી વાત જાણતાં નથી, એટલે જ આવી ઠેકડી સૂઝે છે તમને—’

‘તો સાચી વાત કહો ને તમે—’ લાડકોરે વિનંતી કરી.

‘થવાકાળે એવું થયું, કે બાલુ કોથળી મેલીને ગયો, ને હું રાંધણિયામાં હતી ત્યાં બહારથી બે મીંદડાં વઢતાં વઢતાં ઓસરીમાં આવ્યાં ને ભફાક કરતોકને અવાજ થયો.’

‘શેનો ?’

‘શેનો અવાજ થયો’એ તો તે દિવસે ખબર નહોતી પડી. હું તો રસોઈની ઉતાવળમાં હતી એટલે રાંધણિયામાંથી નીકળી જ નહોતી. પણ હવે સમજાયું કે મીંદડાંએ વઢતાં વઢતાં કોથળીને ઠેલો મારી દીધો હશે એટલે એ કોર ઉપરથી ઊથલીને ખાણિયામાં જઈ પડી. એવામાં બજારમાંથી એક મજૂર તેલનો ડબો લઈને આવ્યો, એણે ઓસરીમાંથી જ ઊભાં ઊભાં પૂછ્યું કે, ‘આ ડબો ક્યાં રેડું?’ મેં રાંધણિયામાંથી જ કીધું કે, ‘રેડ ખાણિયામાં.’ એ તો આખો ડબો

૪૦૮
વેળા વેળાની છાંયડી