લાડકોરે સારી પેઠે શાપ આપી રહ્યા પછી ઉમેર્યું:
‘નખોદિયાને નદીને કાંઠે આંતરીને સંધુંય ખંખેરી લીધું. માથેથી પરોણે પરોણે સબોડી નાખ્યા એ વળી અદકલહાણનું. કડીઆળી લાકડીઉંની ભરોડ્યું લીલી લીલી કાચ જેવી વાંસામાં ઊઠી આવી’તી, એ તો મહિના દી લગી રુઝાણી નહીં.’
‘એને આડોડિયાએ નહોતા આંતર્યા—’
‘આડોડિયા નહીં તો બહારવટિયા હશે—’
‘બહારવટિયા પણ નહોતા—’
‘તો કોક કાંટવરણિયા ડફેર હશે. કાળમુખા મૂવા... ...એનાં કાંધ કૂતરાં ખાય! નખોદિયાવનાં પેટમાં દયાનો છાંટો નહીં હોય.’
‘કોઈ કાંટવરણિયાયે નહોતા ને ડફેર પણ નહોતા—’
‘તો પછી એના વાંસામાં ભૂંગળ ભૂંગળ જેવી જાડી ભરોડ્યું કોણે ઉઠાડી?’
‘પસાયતાવે—’
‘પસાયતાવે? કયા ગામના પસાયતાવે?’
‘અમારા ઈશ્વરિયાના જ—’
સાંભળીને લાડકોરે આઘાત અનુભવ્યો. પૂછ્યું: ‘પસાયતા? પસાયતા ઊઠીને કોઈને આંતરતા હશે ખરા?’
‘અમે જ એને આંત૨વા વાંસે મોકલ્યા’તા—’ સમરથ બોલતાં બોલી ગઈ. નણંદભોજાઈ વચ્ચેની વાતચીત હવે એ કક્ષાએ પહોંચી ગઈ હતી, જ્યારે સમરથ આપમેળે જ એમાં ઘસડાતી જતી હતી.
‘તમે પોતે જ પસાયતાને વાંસે મોકલ્યા’તા? શું કામે?’ લાડકોર કંપતા અવાજે પૂછી રહી. ‘શું કામે? એણે તમારે શું બગાડ્યું’તું? એનો શું વાંકગુનો હતો ?’
‘અમને એના ઉપર વહેમ આવ્યો’તો રૂપિયાની કોથળી ચોરી ગયાનો—’ લાગણીના આવેશમાં સમ૨થે કબૂલત કરી નાખી, ‘મારા