પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નણદોઈ ઓસરીમાં જ બેઠા’તા ને કોઈને કાંઈ કીધા વિના જ ગામ બહા૨ નીકળી ગયા’તા. પણ ઓસરીમાં મીંદડાં વઢ્યાં ને કોથળી ખાણિયામાં ઊથલી પડી એની મો૨ જ એ ડેલી બહાર નીકળી ગયા એની અમને ખબર નહીં. એટલે ચોરીનું આળ એના ઉપર આવ્યું. તમારા ભાઈએ વાંસોવાંસ પસાયતા ધોડાવ્યા, ને ખળખળિયાને કાંઠે એને આંતરી લીધા... કોથળી કઢાવવા સારુ ધોકે ધોકે ઢીબી નાખ્યા પણ કોથળી તો આંયકણે ખાણિયામાં પડી હશે એ કોને ખબ૨?’

અત્યાર સુધી સ્વસ્થ ચિત્તે પ્રશ્નો પૂછી પૂછીને પોતાના મનની શંકાઓનું નિવારણ કરી રહેલી લાડકોર આ છેલ્લી શંકાનું સમાધાન થયા પછી રોષપૂર્વક ત્રાડી ઊઠી:

‘અ૨૨૨! મારા ધણી ઉપર આવાં આળ ચડાવ્યાં’તાં? તમને શરમ ન થઈ?’

‘થાતાં થઈ ગયું, બેન! અમને અમારાં કરમે જ આવી કમત સુઝાડી.’

‘બળ્યાં તમારાં કરમ! તમે તે માણસ છો કે હેવાન?—’

‘અમે તો હેવાન કરતાં બેજ નીકળ્યાં... પણ હવે ગઈગુજરી ભૂલી જાવ, બહેન!’ સમરથ કરગરવા લાગી, ‘હવે તો તમારું ખાસડું ને અમારું માથું—’

‘અમારું ખાસડુંય કાંઈ સોંઘું નથી’ લાડકોરે કુપિત અવાજે કહ્યું, ‘તમ જેવાં ખવીસને માથે અડે તો મારું ખાસડુંય અભડાય.’

બોલતાં બોલતાં લાડકોરની આંખમાંથી જાણે કે અંગારા ખરતા હતા અને રૂંવે રૂંવે આગ ઊઠતી હતી.

સમરથ દીન વદને યાચતી હતી: ‘માફ કરો બેન! એક ગનો તો રાજાય માફ કરે—’

‘હવે વળી માફી કેવી ને વાત કેવી!’ લાડકોરે કહ્યું, ‘આ તો બટુકના બાપુએ આજ સુધી મને કાંઈ વાત ન કરી, ને સાવ અજાણી રાખી એટલે હું હૈયાફૂટી તમારે આંગણે આવી ઊભી. હવે તો આ

આગલા ભવનો વેરી
૪૧૩