‘બેન, આમ લગન-અવસર ઉકેલ્યા વગર જવાય ક્યાંય?’ દકુભાઈએ કહ્યું.
‘તારા અવસરમાં મેલ્ય પૂળો!’
‘પણ કાલ સવારમાં તો બાલુની જાન જૂતશે—’
‘હવે બાલુ મારો ભત્રીજો નહીં... ને તું મારો ભાઈ નહીં.’
હવે સમરથે નણંદને સમજાવવા પ્રયત્ન કર્યો: ‘જમવા ટાણે આમ હાલતાં થઈ જવાય બેન?... ભાણાં પી૨સાઈ ગયાં છે—’
‘હવે આ ભવમાં તો હું આ ભાણે નહીં જમું,’ લાડકોરે સંભળાવી, ‘આ થાળીમાં પીરસ્યાં છે, એ પકવાન નથી, ગવતરીની માટી છે, ગવમેટ છે—’
‘જરાક ટાઢાં પડો, બેન!’ દકુભાઈ વીનવવા લાગ્યો, ‘જીવ ઠેકાણે રાખીને જમી લ્યો.’
‘આજથી આ ઘરના ગોળાનું પાણી જ મારે હરામ! અન્નનો એક દાણોય મને ન કળપે…’ કહીને લાડકોરે ફરી ગાડીવાનને પડકાર કર્યો, ‘વશરામ, આ સ૨સામાન મૂકો ઝટ ગાડીમાં—’
‘આમ અંતરિયાળ અવસર રઝળાવીને હાલ્યાં જાવ, એ શોભે બેન?’ દકુભાઈએ કહ્યું.
‘સગા બનેવીને ચોર ઠરાવવાનું ને માથેથી ઢો૨મા૨ મારવાનું તને શોભે?’
દકુભાઈએ અને સમ૨થે બેનને વીનવવામાં કશી મણા ન રાખી. બેય જણાં લાડકોરને પગે પડ્યાં ત્યારે લાડકોરે ગર્જના કરી: ‘ખબ૨દા૨ મારા પગને અડીને મને અભડાવી છે તો!’
‘બેન, આ શું બોલે છે?’
‘સાચું બોલું છું. તું માણસ નથી; ચંડાળ છો ચંડાળ!’ બટુકને આંગળીએ લઈને ડેલીના બારણા તરફ જતાં જતાં પણ લાડકોર હાકોટા પાડતી હતી: ‘તારા કરતાં તો કસાઈ ને ખાટકી સાત થોકે