લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નણંદ અને ભોજાઈ
 


બનેલું એમ, કે દકુભાઈની વહુ સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી. દકુભાઈ પોતે વાંઢો હતો ત્યાં સુધી તો એ માબાપ વિનાનો અનાથ છોકરો બહેન-બનેવીને આંગણે આશરાગતિયા તરીકે પડ્યો રહેતો. પણ એ મોટો થતાં ઓતમચંદે એને ભણાવ્યો-પરણાવ્યો અને કામની આવડત જોઈને જતે દિવસે વેપારમાં પણ એક આની ભાગ કરી આપેલો. પછી દકુભાઈએ બનેવીની પડોશમાં જ નોખું ઘ૨ માંડેલું. નોખું ઘર માંડવામાં દકુભાઈની પત્નીનો કર્કશ સ્વભાવ પણ કારણભૂત હતો જ. એ કર્કશા સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી અને એમાંથી જ આજની આખી રામાયણ ઊભી થયેલી.

સમરથ સ્વભાવથી જ ભૂખાળવી હતી. પણ એ ભૂખાળવાપણાની સાથે એનામાં ભારોભાર મોટાઈ-ખોટી મોટાઈ-પણ હતી, એ કારણે નણંદભોજાઈ વચ્ચે ઘણી વા૨ ચકમક ઝરી જતી. ઓછું પાતર ને અદકું ભણેલ જેવી સમ૨થને વાત વાતમાં મોં મચકોડવાની, છણકા કરવાની અને ઓછું આણવાની આદત હતી. પોતાના ધણીની સ્થિતિ સામાન્ય હોવા છતાં એ હરહંમેશ નણંદના ઘરની નકલ ક૨વા મથતી, પોતાને લાડકોરની સમોવડી સમજતી અને એમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે ત્યારે નાસીપાસ થતી સમ૨થ પોતાના ઘ૨ની ૨હેણીકરણીમાં, પહેરવા-ઓઢવામાં બધી બાબતમાં લાડકોરની સરસાઈ કરવા મથતી. એક વેળા પોતાને પિય૨ જવાનું હતું ત્યારે અમરગઢ સ્ટેશને પહોંચવા માટે સમરથે વશરામને કહીને

નણંદ અને ભોજાઈ
૪૧