‘બા, બા, બાપુ આવે! બાપુ આવે!’ બટુક આનંદભેર બોલી ઊઠ્યો.
‘હોય નહીં, ક્યાં છે?’
‘ઓલ્યા ઘોડા ઉ૫૨! ઓલ્યા ઘોડા ઉપર!’
સામી દિશામાંથી રવાલ ચાલે ઘોડીને રમાડતા આવતા અસવારને લાડકોર ન ઓળખી શકી પણ બટુકની ઝીણી નજરે એનો અણસાર ઓળખી લીધો હતો.
લાડકોર હજી તો આશ્ચર્યમાંથી મુક્ત થાય એ પહેલાં તો, હરણફાળે આવતી ઘોડીએ પાણીમાં ડાબો પાડ્યો અને અસવાર બોલી ઊઠ્યો: ‘અરે! તમે અહીં ક્યાંથી?’
અને આ પ્રશ્નનો ઉત્તર મળે એ પહેલાં તો ઘોડી નદી ઓળંગીને આ કાંઠે આવી ઊભી.
પૂરપાટ આવતી જાતવંત ઘોડીને અસવારે એકાએક થોભાવતાં એ બે પગે ઝાડ થઈ ગઈ અને હણહણી ઊઠી. આધેડ ઉંમરે પણ ઓતમચંદ એક જુવાનની છટાથી નીચે કૂદી પડ્યો ને બોલ્યો: ‘અહીં ક્યાંથી અંતરિયાળ ?”
ઉપરાઉપરી બની રહેલી અણધારી ઘટનાઓથી લાડકોર એવી તો હેબતાઈ ગઈ હતી કે પતિને ત્વરિત ઉત્તર પણ ન આપી શકી. ઓતમચંદને પણ પત્નીનું આ મૌન અકળાવી રહ્યું તેથી એણે કહ્યું: ‘બાલુનાં તોરણ તો કાલ્યપની તથ્યનાં છે ને? આજે તમે આમ અહીં—’
‘તિખારો મેલો એના તોરણમાં!’ ચકમક અને ગજવેલના ઘર્ષણમાંથી ઝરતા તણખા જેવા જ શબ્દો લાડકોરની જીભમાંથી ખર્યા.
‘શુભ પ્રસંગે આવાં વેણ ન બોલીએ—’
‘ન બોલવાં હોય તોય બળતે પેટે બોલાઈ જાય છે—’
‘પણ આમ ઓચિંતુ કેમ વાજું ફટકી ગયું ? સરખી વાત તો કરો !’
‘વાત શું કરે, કપાળ!’ લાડકોર હજી ધૂંધવાતી હતી. ‘તમે તો