પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એને નકટાને વળી આબરૂ ક્યાં હતી, તે ઓછી થાય? એ બે દોકડાના માણસે ઊઠીને તમારી લાખ રૂપિયાની આબરૂ ઉપર ઘા કર્યો, માથે પસ્તાળ પાડી એ બધુંય તમે ખમી કેમ ખાધું?’

‘ખમી ખાવું પડ્યું. એ વખતે આપણો સમો નબળો હતો, એટલે નિંદા ખમી ખાવી પડી. સમો સમો બળવાન છે, માણસ તો એનાં એ જ છે.’

‘પણ કોથળી તો એની મેળે જ ખાણિયામાં પડી ગઈ’તી… મીંદડાં વઢ્યાં, એના હડસેલાથી —’

‘એ તો હુંય હવે સમજી ગયો કે આમાં કોઈનો વાંક નહોતો…’

‘ઓલ્યા રાખહ જેવા પસાયતાએ તમને ઢીબી નાખ્યા, એમાંય કોઈનો વાંક નહોતો?’

‘ના,’ ઓતમચંદે સમજ પાડી. ‘પસાયતા તો દકુભાઈના મોકલાવ્યા આવ્યા’તા. ને એમાં દકુભાઈનોય શું વાંક બિચારાનો?’

‘હજી તમે એને બિચારો કહો છો?’

‘બીજું શું કહેવાય! દકુભાઈએ ઓસરીમાં કોથળી નહીં જોઈ હોય, એટલે મારા ઉ૫૨ વહેમ આવ્યો હશે. હું ઓસરીમાં એકલો બેઠો’તો ત્યાં સુધી તો કોથળી ખાણિયાની કોર ઉપર પડી’તી. પણ પછી હું કંટાળીને, કોઈને કાંઈ કીધા વિના જ બહાર નીકળી ગયો, ને કોથળી ક્યાંક અલોપ થઈ ગઈ, એટલે મારા ઉપર જ વહેમ આવે એમાં શું નવાઈ?’

‘તમે તો નરસી મેતા જેવા છો એટલે તમારા મનમાં તો કોઈનો વાંક જ નહીં વસે–’

{gap}}‘કારણ કે આમાં કોઈ કરતાં કોઈ માણસનો વાંક નથી,’ ઓતમચંદે આ કરુણાંતિકાનું કા૨ણ ફિલસૂફની ઢબે સમજાવતાં કહ્યું, ‘વાંક કોઈનો કાઢવો જ હોય તો ખાણિયાની પાળે આવી પૂગેલાં મીંદડાંનો જ કાઢી શકાય. ને મીંદડાંને કાંઈ માણસ થોડાં ગણી શકાય? એટલે

૪૨૨
વેળા વેળાની છાંયડી