આમાં કુદરતની કરામત જેવું થઈ ગયું છે... માણસની કાંઈ ભૂલ નથી થઈ—’
‘સગા બનેવી ઉપર આવાં વીતક વિતાડ્યાં તોય તમને એની ભૂલ નથી લાગતી ?’
‘ના. કુદરત જ આવી ભૂલ કરાવે છે. માણસ તો કુદરતના હાથમાં રમકડા જેવો છે... આ બટુકના હાથમાં પાવો છે, એના જેવો જ—’
બટુકના પાવાનો ઉલ્લેખ સાંભળીને લાડકોર બોલી ઊઠી: ‘તમે તો આજ સુધી કહેતા હતા ને કે આ પાવો દકુભાઈના બાલુએ મોકલાવ્યો છે?’
‘એ તો તમને રૂડું મનાવવા ખાતર જ—’
‘રૂડું મનાવીને મને છેત૨ી?’ લાડકોરે ઉગ્ર અવાજે પૂછ્યું, ‘સાચું કહો હવે, આ પાવો કોણે મોકલ્યો’તો?’
‘હાલો, અબઘડીએ જ એ મોકલનારનો મેળાપ કરાવી દઉં—’
‘ક્યાં? કયે ઠેકાણે?’
‘અહીંથી બહુ આઘું નથી. ઓલ્યાં આઘે આઘે મેંગણીની સીમનાં ઝાડવાં દેખાય!’ ઓતમચંદે કહ્યું: ‘તમારો ઠીક ભેટો થઈ ગયો! હું એકલો જાતો’તો ત્યાં તમારો સથવારો થઈ ગયો.’
‘ક્યાં જાતા’તા?’
‘ઈશ્વરિયે નહીં, મેંગણી જાતો’તો.’
‘કેમ ભલા?’
‘મારી બેનને ઘેરે લગન છે. ભાણિયાનાં—’
‘તમારી બેન? મેંગણીમાં?’ લાડકોરે પૂછ્યું, ‘કોઈ દી નામ તો સાંભળ્યું નથી—’
‘આ તો મારી ધરમની માનેલી બેન છે એટલે તમે ક્યાંથી ઓળખો ?’
‘તમે હજીય ઠેકડી કરો છો મારી?’